વડોદરામાં હવે પૂર નહીં જ આવે તેવી કોઇ જ ખાતરી મ્યુનિસીપલ કમિશનર આપતા નથી તે વડોદરાવાસીઓએ ખાસ સમજવું જરુરી છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે જે 100 દિવસનું કામ શરુ કરાયું છે તે કામથી માત્રને માત્ર 40 ટકા જ ફાયદો થશે તેમ કમિશનરે એક ગોઠવાયેલા ઇન્ટરવ્યુમાં છાતી ઠોકીને કહ્યું છે. જો પૂર આવશે તો લોકો શું કહેશે તે વાતનું ધ્યાન રાખીને રાણાજી અત્યારથી જ કહી રહ્યા છે કે વધારે વરસાદ આવશે તો માત્ર 40 ટકા જ અસર ઓછી થશે બાકી 60 ટકા અસર તો થવાની જ છે. ગોઠવાયેલા ઇન્ટરવ્યુમાં રાણાજીએ કહ્યું કે ગયા વર્ષે જે પૂર આવ્યું તેમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ હતું અને પાણીનું વોલ્યુમ પણ વધારે હતું તેથી કોર્પોરેશન કંઇ જ કરી શક્યું ન હતું. આ ઇન્ટરવ્યુમાં કમિશનરે પોતે જાતે જ પોતાના એટલે કે કોર્પોરેશનના વખાણ કર્યા હતા.જો કે લોકોને તો ખબર જ છે કે તેમણે શું કામો કર્યા હતા. લોકો સમક્ષ પોતાની અને કોર્પોરેશનની છબી સુધારવા માટે રાણાજીએ આ ઇન્ટરવ્યુમાં ઘણી મોટી મોટી વાતો કરી છે અને જો તે તમે સાંભળો તો તમને પણ થશે કે લે..કોર્પોરેશનને ગયા વર્ષે આવી કામગિરી કરી હતી. અમને તો ક્યાંય જોવા મળ્યું ન હતું, તમને નવાઇ લાગશે તેવા વખાણ રાણાજી આ ઇન્ટરવ્યુંમાં કરી રહ્યા છે.

ઇટરવ્યુમાં તેઓ વારંવાર એક જ વાત કરી રહ્યા છે કે ફ્લડ તો આવતું જ રહશે પણ ઓછામાં ઓછી અસર થાય તેવા પ્રયાસ અમે કરીશું. તેમણે એવો દાવો પણ કર્યો કે પ્રતાપપુરા અને આજવા સરોવરની કેપેસિટી ઓછી છે જેથી આ વખતે અમે આખા વડોદરાના બધા તળાવો ભેગા થાય તેવા 2 તળાવ આ બંને ડેમમાં બનાવીશું. તેમણે લોકોને આશ્ચર્યચકિત કરતાં કહ્યું કે અમે બંને ડેમમાં બનાવેલા નવા તળાવોમાંથી 50 લાખ એમક્યુબ માટી કાઢીશું અને આ તળાવો 5 એમસીએમ જેટલું મોટા તળાવ હશે જેથી ઉપરવાસથી આવતું વધુ પાણી ડેમમાં સંગ્રહ કરી શકાશે. હવે આ કામો ક્યારે થશે તેની કોઇને ખબર નથી વડોદરાવાસીઓને એટલે રાણાજીના વચનો પર વિશ્વાસ નથી કે રાણાજી આવા જુમલા કરવામાં વિખ્યાત છે. વડોદરાવાસીઓ 30 વર્ષથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ નામનો સુંદર સપના જેવો શબ્દ સાંભળતા આવ્યા છે પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે પૂરના પાણીમાં આ સુંદર શબ્દ પણ તણાઇ જાય છે એટલે લોકો કહે છે કે રાણાજી આ વખતો જો નક્કર કંઇ કરવાના હોવ તો જ બોલજો કારણ કે તમારા દ્વારા અત્યારે જે કામો શરુ થયા છે તે ફાયદો કરાવશે કે કેમ તેની ખબર તો ત્રણ મહિના પછી પડી જ જશે. ગયા વર્ષે જે પૂર આવ્યું તે તો એબનોર્મલ પરિસ્થીતી હતી તેમ કહીને રાણાજીએ આ ઇન્ટરવ્યુમાં પોતાના હાથ અદ્ધર કરી દીધા હતા. હવે આવતા વર્ષે પણ જો આવો ગોઠવાયેલો ઇન્ટરવ્યું હશે અને રાણાજી વડોદરામાં ફરજ બજાવતા હશે તો ફરી તેઓ આ જ વાક્યનો પુરોચ્ચાર કરશે કે ગયા વર્ષે તો એબનોર્મલ પરિસ્થીતી હતી. 100 દિવસમાં અમે થાય એટલું કામ તો કરેલું જ હતું તેમ કહીને પોતાનો બચાવ કરશે પણ ખરેખર તો તેમણે જોવું જોઇએ કે વરસાદી કાંસોની સફાઇ કોન્ટ્રાક્ટરોએ યોગ્ય રીતે કરી છે કે નહી, વિશ્વામિત્રીને યોગ્ય રીતે ઉંડી કે પહોળી કરાઇ છે કે નહી, બંને ડેમમાં યોગ્ય રીતે કામ થયું છે કે નહી તેની પણ વારંવાર વિઝીટ કરીને ચકાસણી કરવી જોઇએ બાકી ઇન્ટરવ્યુમાં બોલ બચ્ચન કરવાથી વડોદરાવાસી ઇમ્પ્રેસ નહી થાય

Reporter: admin







