વડોદરા : કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલા રક્ષિત ચોરસિયા ઉપર વડોદરા પોલીસ આટલી મહેરબાન શા માટે થઇ ? તેવો પ્રશ્નો મોટાભાગના લોકોના મનમાં ઉઠી રહ્યો છે. તેમજ કાર માલિક સામે કોઈ કાર્યવાહી કેમ થઈ નથી?

જ્યારે કોઇ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેને કોઇ ત્રાહીત વ્યક્તિ મળવા માંગતી હોય ત્યારે કાયદા અનુસાર સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. પરંતુ રક્ષિત ચોરિયાના કિસ્સામાં પોલીસ તેની ઉપર એટલી મહેરબાન થઇ કે, તેને કસ્ટડીમાંથી બહાર લાવી પોલીસ સ્ટેશનના દરવાજે ઉભો રાખી મીડિયા સમક્ષ પોતાનો બચાવ કરવાની તક આપી. કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે, સામાન્ય કિસ્સાઓમાં પોલીસ ઓળખ પરેડ વિના આરોપીને મીડિયા સમક્ષ રજુ પણ નથી કરતી તો કિસ્સામાં એવું તો શું બન્યું કે, રક્ષિત ચોરસિયાને આટલો છુટ્ટો દોર આપી દેવામાં આવ્યો.
રક્ષિતે મીડિયાને આપેલા એક ઇન્ટર્વ્યુમાં જણાવે છે કે, તે ગઇકાલની ઘટનાને લઇ ખુબ દુખ અનુભવી રહ્યો છે, તેની ગાડી માત્ર 50થી 60ની સ્પીડ પર હતી કંઇ રીતે આ અકસ્માત બન્યો તેનાથી એ અજાણ છે. અહીં મહત્વની વાત એ છે કે, કોઇ પણ કાર જો 50થી 60ની સ્પીડ પર હોય અને તેને અકસ્માત સર્જાય તો કારની એરબેગ ખુલે તે શક્ય નથી. રક્ષિત મીડિયા સાથેની વાતચિતમાં એમ પણ જણાવે છે કે, કાર ઓટોમેટિક હતી અને તે આ કાર તેને ચલાવતા આવડતી ન હતી. મીડિયા સાથેના ઇન્ટર્વ્યુમાં તે જણાવે છે કે, તેને કોઇ પણ પ્રકારનો નશો કર્યો ન હતો, અને લોકો ગભરાઇને જતા રહે તે માટે તેણે બુમો પાડવાનું શરૂ કર્યું હતુ.
Reporter: admin