News Portal...

Breaking News :

સળગતા મુદ્દાઓને સાઇડમાં મુકી ધારાસભ્યોએ ટ્રાફિક સિગ્નલ તોડતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી

2025-07-05 09:40:34
સળગતા મુદ્દાઓને સાઇડમાં મુકી ધારાસભ્યોએ ટ્રાફિક સિગ્નલ તોડતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી


શહેરના ધારાસભ્યોને આ પ્રકારની રજૂઆતો કે જે પ્રજાને સીધી સ્પર્શે છે તેમાં કોઇ રસ નથી...
તહેવારોમાં પરવાનગી જલ્દી અપાય અને બબાલો ના થાય તે જોવું જોઇએ. તે જવાબદારી પોલીસની છે..



વડોદરા શહેરના તમામ જાહેર રસ્તા, બ્રિજ, ટીપી રોડ, ડિવાઇડર, સર્કલ ઉપર ચમકતા-રિફ્લેક્ટ થાય તેવા કલરવાળા પટ્ટા-સાઈનબોર્ડ હોવા  જોઈએ. જેનાથી મોડી સાંજે-રાત્રીનાં અકસ્માતની સંખ્યા ઘટી જશે. હાલમાં આખા વડોદરામાં ક્યાંય પણ રાત્રે વાહનોની લાઈટમાં રિફ્લેક્ટ થતા કલર ઘસાઈ ચૂક્યા છે. આવા મુદ્દાની કેમ ધારાસભ્યો સાંસદ રજૂઆત કરતા નથી?..
પોલીસ ભવન ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં તમામ ધારાસભ્યોએ ટ્રાફિક અને દબાણ બાબતે રજૂઆતો કરી હતી. ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે શહેરમાં ટ્રાફિકનો મુખ્ય પ્રશ્ન છે. વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ તોડી રહ્યા છે તો તેની સામે કાર્યવાહી કરવી જોઇએ. ઉપરાંત વડોદરામાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જટિલ બન્યો છે જેથી આ મામલે નિરાકરણ આવવું જોઈએ તેની રજૂઆત કરાઇ હતી. આ સાથે ગેરકાયદેસર દબાણ હટવું જોઈએ તેમજ પાર્કિંગની જગ્યાએ વાહન ચાલકો પાર્કિંગ નથી કરતા અને રોડ પર પાર્કિંગ કરે છે તો તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ ધારાસભ્ય કેયુર રોકડિયાએ કરી હતી.  ધારાસભ્યોને સુઝ્યુ ન હતું કે શહેરમાં વધી રહેલો ક્રાઇમ રેશિયો ઘટાડવાની રજૂઆતો કરીએ કે બિન્ધાસ્ત થતી ઘરફોડ ચોરીઓ કે પછી લૂંટ અને ચેઇન સ્નેચીંગ તથા સાયબર ક્રાઇમના ગુનાઓ બાબતે રજૂઆતો કરીએ. ડમ્ફરો આડેધડ અકસ્માતો કરી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. શહેરના ધારાસભ્યોને આ પ્રકારની રજૂઆતો કે જે પ્રજાને સીધી સ્પર્શે છે તેમાં કોઇ રસ નથી. આ તો પોલીસ ખાતાએ સંકલન બોલાવી એટલે સંકલનમાં કોઇ રજૂઆતો કરવી પડે એટલે ટ્રાફિક અને દબાણ બાબતે રજૂઆતો કરી નાખી. ખરેખર તો ધારાસભ્યો અભ્યાસ કરીને ગયા હોત તો પ્રજાને હાલની ગુનાખોરી પ્રવૃત્તિમાં શું તકલીફો ભોગવવી પડે છે તેની તેઓ રજૂઆતો કરી શક્યા હોત.

ભાજપના એક પૂર્વ મહિલા કાઉન્સિલરની ગાડીને આજે અકસ્માત થયો અને આજે જ સંકલન બેઠક હતી એટલે ધારાસભ્યોએ પોલીસ ખાતામાં ટ્રાફિક અને દબાણની રજૂઆતો કરી નાખી. તમે પાર્કીંગની રજૂઆતો કરી તો પહેલા વિચારો તો ખરા કે પ્રજા માટે તમે ક્યાંય પાર્કીંગની વ્યવસ્થા કરી છે ખરી? નિયમો મુજબ ક્યાંય પણ સામાન્ય જનતા પોતાનું વાહન પાર્ક કરીને ખરીદી કરવા જઇ શકે તેવી વ્યવસ્થા કરી છે ખરી. ધારાસભ્યોએ  ખરેખર આ વ્યવસ્થા પહેલા કરવી જોઇએ. શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ ને પાલિકાની વડી કચેરીમાં સામાન્ય જનતા માટે ક્યાંય પણ વાહન પાર્ક કરવાની સુવિધા છે ખરી તે પહેલા ધારાસભ્યોએ જોઇ લેવું જોઇએ. જીડીસીઆરના નિયમો સરકારી કચેરીઓને લાગુ પડતા નથી. 



ધારાસભ્યોએ પોલીસમાં કર્મચારીઓની ઘટ બાબતે આંદોલન કર્યું ?
સંકલનમાં ધારાસભ્યોએ રજૂઆત કરી કે વાહન ચાલકો સિગ્નલ તોડીને ભાગે છે તો તેની સામે કાર્યવાહી કરવી જોઇએ. ધારાસભ્યોએ ક્યારેય ચાર રસ્તા પર 10 મિનીટ ઉભા રહીને અવલોકન કર્યું છે ખરું કે ત્યાં તમને ટ્રાફિકના જવાનો દેખાયા ખરા. મોટા ભાગના ટ્રાફિક જંકશન ઉપર  ટ્રાફિક જવાનો દેખાતા નથી. ટ્રાફિકના જવાનો તો સાઇડ પર છાંયડામાં વહિવટ કરતા હોય છે કાં તો મોબાઇલ ફોનમાં વ્યસ્ત અને મસ્ત હોય છે. ટ્રાફિક નિયમનનો બિચારા ટીઆરબી જવાનોના ભરોસે ચાલતું હોય છે અને વાહન ચાલક ટીઆરબી જવાનને ગાંઠે ખરા. પહેલાં તો ધારાસભ્યે એવી રજૂઆતો કરવી જોઇએ કે તમામ સિગ્નલ પર ફરજિયાત ટ્રાફિક જવાનો હોવા જોઇએ.પણ તે રજૂઆત કરે તો તેમની પોલ ખુલી જાય કારણ કે શહેર પોલીસમાં 40 ટકા કર્મચારીઓની ઘટ છે અને તે પુરવા તેમણે સરકારમાં ક્યાંય અત્યાર સુધી આંદોલન તો કર્યું નથી. 

ક્રાઇમ રેટ ઘટાડવા. ચોરીઓ અને ચેઇન સ્નેચીંગ તથા અકસ્માતો ઘટાડવા રજૂઆતો કરવી જોઇતી હતી
ખરેખર તો ધારાસભ્યોએ શહેરી કાયદો વ્યવસ્થા કથળેલી છે અને ક્રાઇમ રેટ વધ્યો છે તેની રજૂઆતો પોલીસ ખાતા સમક્ષ કરવી જોઇએ. શહેરમાં બિન્ધાસ્ત લક્ઝરીવાળા અને ડંપરો વાળા ફુલ સ્પીડમાં ફરે છે અને અકસ્માતો સર્જે છે તેની સામે રજૂઆતો કરવી જોઇએ. રિક્ષા ચાલકો રિક્ષામાં એક સાથે 5થી 6 જણને બેસાડે છે અને સ્કૂલ વાન વાળા પણ બાળકોને ખીચોખીચ બેસાડીને લઇ જાય છે. ગેરકાયદેસરો વાહનો માં મુસાફરો ભરે છે તે બાબતે રજૂઆતો કરવી જોઇએ પણ ધારાસભ્યો એવું નહી કરે કારણ કે તેમાં તેમની સામે પણ આંગળી ચીંધાશે કે પ્રજાના પ્રતિનીધી તરીકે તમે આટલો સમય શું કર્યું એટલે બેઠકમાં કુલડીમાં ગોળ ભાંગી લઇને દબાણ અને ટ્રાફિક સિગ્નલ તોડવાની રજૂઆતો કરી નાખી. જયારે કોઈ ઘટના બંને ત્યારે નેતા અને પોલીસ એકશનમાં આવે છે અને દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે. ક્રાઇમ રેટ ઘટાડવા. ચોરીઓ અને ચેઇન સ્નેચીંગ તથા અકસ્માતો ઘટાડવા પોલીસ ખાતાને રજૂઆતો કરવી જોઇતી હતી પણ ધારાસભ્યો તેમાં ઉણા ઉતર્યા. 

તહેવારોમાં પરવાનગી જલ્દી અપાય અને બબાલો ના થાય તે જોવું જોઇએ. તે જવાબદારી પોલીસની છે. 
તહેવારો રંગેચંગે ઉજવાય તેનું પોલીસ ધ્યાન રાખે...
ટ્રાફિક માટે બધાએ રજુઆત કરી છે. વડોદરામાં તહેવારો રંગેચંગે ઉજવાય તેનું પોલીસ ધ્યાન રાખે બધા ધારાસભ્યોએ ટ્રાફિકની રજૂઆતો કરી છે, લોભામણી જાહેરાતોથી લોકો છેતરાય છે તો તેવા લોકોને પકડવા જોઇએ. 
યોગેશ પટેલ, ધારાસભ્ય

Reporter: admin

Related Post