News Portal...

Breaking News :

પંજાબનો હત્યાના ગુનામાં ફરાર રહેલો શકમંદ આરોપી બાજવામાંથી ઝડપાયો

2025-08-12 10:26:10
પંજાબનો હત્યાના ગુનામાં ફરાર રહેલો શકમંદ આરોપી બાજવામાંથી ઝડપાયો


ગુજરાત એટીએસ તથા શહેર એસઓજી, જવાહરનગર પોલીસ દ્વારા અમૃતસર ગ્રામ્ય પોલીસ, પંજાબ પોલીસનું સંયુક્ત ઓપરેશન.

ગુજરાત એટીએસ તથા વડોદરા શહેર એસઓજી તથા જવાહરનગર પોલીસ દ્વારા સીઆઇએ, અમૃતસર ગ્રામ્ય પોલીસ તથા પંજાબ પોલીસની મદદમાં રહીને હત્યાના ગંભીર ગુનાના શકમંદ આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપીને પંજાબ પોલીસને સોંપ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે અમૃતસર ગ્રામ્યના જંડીયાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી વડોદરામાં છુપાયો હોવાની બાતમી મળતા પંજાબ પોલીસ વડોદરા આવી હતી અને 10 તથા 11 ઓગષ્ટે એસઓજી વડોદરાની સાથે રહી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી શકમંદ આરોપીનું લોકેશન બાજવાની નવદુર્ગા સોસાયટીમાં મળ્યું હતું જો કે આજે શકમંદ આરોપીએ તેનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો જેથી ગુજરાત એટીએસ, એસઓજી, જવાહરનગર પોલીસ તથા પંજાબ પોલીસે બાજવામાં વૃંદાવનનગર સોસાયટીમાં સર્ચ કર્યું હતું જેમાં શકમંદ આરોપી રાજવીરસિંઘ તેવરસિંઘ મજબીને ઝડપી લીધો હતો અને તેને પંજાબ પોલીસને સોંપ્યો હતો.




વકીલની હત્યા કરીને 15 દિવસથી વડોદરામાં છુપાયો હતો
એસઓજી પીઆઇ એસ.ડી રાતડાએ જણાવ્યું હતું કે આરોપી રાજવીરસિંઘ હત્યાના બનાવમાં સંડોવાયેલો હતો અને તે પંજાબથી ભાગીને 15 દિવસથી વડોદરા આવીને છુપાયો હતો. અહીં તે નાની મોટી મજૂરી કરતો હતો. તેણે તેના અન્ય સાથીદારો સાથે મળીને એક વકીલની હત્યા કરી હતી. ત્યારબાદ તેના સાથીદારો પોલીસના હાથે પકડાઇ ગયા હતા પણ રાજવીર ફરાર થઇ ગયો હતો અને અલગ અલગ ઠેકાણે છુપાઇને 15 દિવસથી વડોદરા આવ્યો હતો. તેનું લોકેશન મળ્યા બાદ પોલીસે સતત 2 દિવસ સુધી વોચ રાખી હતી અને આખરે તેને ઝડપી લીધો હતો 

રાજવીરસિંઘ કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી જટ્ટ ગેંગનો છે

પોલીસે જણાવ્યું કે રાજવીરસિંઘ કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી જટ્ટ ગેંગનો છે અને પંજાબમાં વિવિધ ગેંગો વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલે છે તેમાં રાજવીર અને તેના સાથીદારો સક્રિય હતા અને ક્રિમીનલ એક્ટિવીટી કરી રહ્યા હતા. હેપ્પી જટ કેનેડામાં રહીને પંજાબમાં તેનું નેટવર્ક ચલાવે છે.

Reporter: admin

Related Post