આટલા મોટા કૌભાંડમાં, આન-બાન-શાનની ઉજવણી કરનારા શહેર પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો ચૂપ કેમ ?..
ફાયર બ્રિગેડની ખરીદીમાં ભ્રષ્ટાચારમાં ત્રણ અધિકારીઓને
માત્ર સસ્પેન્ડ કરીને જ સંતોષ માન્યો, પોલીસ કેસ કેમ નહીં ?
બેલગામ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓને ક્લિનચીટ આપવાનો કારસો ? શું તપાસના નામે ઠંડુ પાણી રેડી દેવાશે ?..

પ્રાથમિક તપાસમાં જ ત્રણ જણાનાં નામ ખુલ્યા. હવે વચગાળાની તપાસમાં પણ અન્ય નામ ખુલવા જોઈએ જેથી પુરાવા સાથે છેડછાડ થાય નહીં. તાત્કાલિક અસરથી પોલીસ/એસીબીમાં ફરિયાદ થાય તો અલીબાબાની સાથે ચાલીસ ચોર પણ પકડાય...
વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં રેસ્ક્યૂ બોટ અને એના સાધનો ખરીદવામાં થયેલા મસમોટા ભ્રષ્ટાચારમાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ, ડે. ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને તત્કાલિન એચઓડી ડો. દેવેશ પટેલને માત્ર સસ્પેન્ડ કરીને છોડી દેવા કેટલા અંશે વ્યાજબી છે ? આખાય મામલામાં જો અધિકારીઓને સસ્પેન્ડ કરી શકાતા હોય તો પછી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કેમ નથી થતી ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે. એટલું જ નહીં જ્યારે ભ્રષ્ટાચારના આરોપસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પછી એમની સામે એસીબીની તપાસ કેમ નથી કરવામાં આવતી ? પ્રજાનાં નાણાંનો ગેરવહિવટ થયો છે તે હકિકત છે.સવાલો તો ઘણા છે પણ કોર્પોરેશનના સત્તાધીશો પાસે એના માટે કોઈ જવાબ નથી. અલબત્ત, ત્રણે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાને આજે એક અઠવાડિયુ પૂર્ણ થયુ છે પણ હજી સુધી એમની સામે આગળની કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી ? તેવા સવાલનો જવાબ અધૂરો જ રહી ગયો છે.
વડોદરા કોર્પોરેશનનાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ તાજેતરમાં જ ફાયર બ્રિગેડ માટે ખરીદાયેલા સાધનો જોવા માટે મંગાવ્યા હતા. અને તમામ સાધનોનું બરાબર નિરિક્ષણ પણ કર્યું હતુ. પણ હકીકત તો એ છે કે, આ સાધનોની ખરીદી માટેની દરખાસ્ત જ્યારે સ્થાયીમાં રજૂ કરવામાં આવી ત્યારે ડો. શિતલ મિસ્ત્રીને કોઈ શંકા કેમ ના ગઈ ? ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો શો મતલબ ? ફાયર બ્રિગેડની ખરીદી કૌભાંડમાં ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાતને આજે એક સપ્તાહનો સમય વિતી ચુક્યો છે. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો ભલે એવુ માનતા હોય કે, સમય જશે એટલે બધા બધુ ભુલી જશે. તબક્કાવાર જનતાને યાદ અપાવતું રહેશે કે, ફાયર બ્રિગેડની ખરીદીના ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા પછી મનોજ પાટિલ, નૈતિક ભટ્ટ અને ડો. દેવેશ પટેલ સામે હજી સુધી બીજી કોઈ કાર્યવાહી થઈ નથી. અલબત્ત, એમની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી થઈ શકે તેમ છે. મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરી શકાય તો તેમને ડિસમીસ પણ કરી શકાય તેમ છે. જે અધિકારીની અજમાઈશી ધોરણે નિમણૂક થઈ હોય તેમને કમિશનર ડીસમીસ કરી શકે. છતાંય આખાય મામલામાં ભીનું સંકેલવાની કોશિષ થઈ રહી હોય તેવું લાગી રહ્યુ છે.
ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં ઈચ્છાશક્તિનો અભાવ
ફાયર બ્રિગેડનાં સાધનોની ખરીદીમાં થયેલા મસમોટા ભ્રષ્ટાચારની તપાસ હજી સુધી ત્રણ અધિકારીઓના સસ્પેન્શનથી આગળ વધી શકી નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ હજી સુધી કોર્પોરેશને ફાયર બ્રિગેડ દ્વારા ખરીદાયેલા સાધનોને જપ્ત પણ કર્યા નથી. આવા સંજોગોમાં ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ થઈ શકે તેવી સંભાવના નકારી શકાતી નથી. જો આ મામલામાં પાછળથી કાર્યવાહી કરવાની થશે તો એને પુરવાર કરવી પણ અઘરી સાબિત થઈ જશે. તેવી આશંકા ઉપસ્થિત થઈ છે. કાયદાના જાણકારોનું માનીએ તો તેમનુ કહેવુ છે કે, આખાય મામલામાં જે કંઈ પણ કાર્યવાહી થવી જોઈએ તે કરવામાં આવી નથી. સત્તાધીશોની ઈચ્છાશક્તિના અભાવે દોષિત ફરી એકવાર કાયદાની છટકબારીનો લાભ લઈ જશે અને વડોદરાની નિર્દોષ જનતા મૂકપ્રેક્ષકની જેમ બધુ જોતી રહી જશે.
સહિયારો ભ્રષ્ટાચાર થયાનું, પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હોય તો પોલીસ ફરિયાદ બાદ રિકવરી કેમ નથી થતી ?
જો, ફાયર બ્રિગેડના ત્રણ-ત્રણ ઉચ્ચ અધિકારીઓને એક સાથે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હોય તો એની પાછળનું કારણ પણ સચોટ જ હોઈ શકે છે. અને સ્વાભાવિક છે કે, ફાયર બ્રિગેડમાં ખરીદીમાં ભ્રષ્ટાચારથી મોટું કોઈ કારણ ના હોઈ શકે. હવે, સવાલ એ થાય છે કે, જે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તેમણે ભ્રષ્ટાચાર કર્યો હશે તો પછી એમણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો ? તેનો ખુલાસો થવો જોઈએ. અને જો ભ્રષ્ટાચાર કર્યો જ હોય તો એની રિકવરી પણ કરવી જ જોઈએ. આ રૂપિયા કોર્પોરેશનના કોઈ અધિકારી કે, સત્તાધીશોના નહીં પણ વડોદરાની જનતાના પરસેવાના રૂપિયા હતા. એટલે એ રૂપિયા પર ભ્રષ્ટાચારીઓએ હાથ માર્યો હોય તો એમની પાસેથી પૈસા પાછા મેળવવાની જવાબદારી પણ સત્તાધીશોએ નિભાવવી જોઈએ. અને ત્રણે સસ્પેન્ડેડ અધિકારીઓ પાસેથી પૈસાની રિકવરી કરવી જોઈએ.
બોટનો સામાન સપ્લાય કરનારા વેન્ડરની સામે કાર્યવાહી કેમ થતી નથી ?
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો દીવાની જ્યોત જેવી ચોખ્ખી વાતને પણ સ્વિકારવા તૈયાર કેમ થતા નથી ? ફાયર બ્રિગેડની ખરીદીના ભ્રષ્ટાચારના કથિત આરોપસર જો ત્રણ-ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ થઈ શકતા હોય તો પછી એના વેન્ડરની સામે પગલા લેવામાં કેમ નથી આવતા ? તે હજી સમજાતુ નથી. ફાયર બ્રિગેડ માટે જે વેન્ડર પાસેથી આઠ-આઠ બોટ ખરીદવામાં આવી તેની સામે હજીસુધી કોઈ તપાસ કેમ નથી કરવામાં આવી ? જેની પાસેથી બોટના સાધનોની ખરીદી કરવામાં આવી તે વેન્ડરની હજી સુધી પુછપરછ કેમ નથી કરવામાં આવી ? તેવા અનેક સવાલોના જવાબ મેળવવા જરુરી છે. અહીં, તપાસ નહીં કરવા પાછળ પણ ઘણા કારણો હોઈ શકે છે. જોકે, કારણમાં પડવા કરતા એની સામાન્ય તપાસમાં થતી ઢીલાશ વિષે વાત કરવી જરુરી છે. ભ્રષ્ટાચારની તપાસમાંથી વેન્ડરને બાકાત ના રાખી શકાય. વેન્ડર એટલે સપ્લાયરની અહીં મુખ્ય ભૂમિકા રહેલી છે. તેમ છતાંય ભેદી કારણસર તેની સામે કોઈ પગલા લેવાયા નથી.
નૈતિક ભટ્ટ અને મનોજ પાટિલ એલિજિબલ નહીં હોવા છતાંય નિમણૂક કેમ અપાઈ ?
વડોદરા ફાયર બ્રિગેડના તત્કાલિન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ અને ડે. ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની નીમણૂક જ ખોટી રીતે કરવામાં આવી છે તેવા અસંખ્ય આરોપો અગાઉ પણ ઉઠ્યા છે અને આજે અમે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. હકીકતમાં નૈતિક ભટ્ટ અમદાવાદ ફાયર બ્રિગેડમાં કામ કરતો હતો. ત્યાં તેણે રજૂ કરેલી સ્પોન્સરશીપ પર શંકા ઉપસ્થિત થઈ હતી. જેથી અમદાવાદ કોર્પોરેશને એની સામે વિજિલન્સ તપાસ શરુ કરાવી હતી. આ તપાસ ચાલુ હોવા છતાંય વડોદરા કોર્પોરેશને ભેદી કારણસર નૈતિક ભટ્ટને વડોદરા ફાયર બ્રિગેડમાં ડે. ફાયર ઓફિસર તરીકેની પોસ્ટ આપી દીધી હતી. આ નિમણૂક ઉપર પણ અનેક સવાલો ઉપસ્થિત થયા હોવા છતાંય કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે.
ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવાની નૈતિકતા કેમ દાખવતા નથી ?
ભાજપના રાજમાં જ્યારે આપણે નૈતિક મૂલ્યોનું જતન કરવાની સૂફિયાણી વાતો કરતા હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની નૈતિકતા ના દાખવીએ તો કેવી રીતે ચાલે ? અહીં વાત પ્રજાના પરસેવાના પૈસાને ચાઉં કરી જનારા તત્વોને સબક શીખવાડવાની છે. અહીં વાત પ્રજાના વેરાના પૈસાનો ભ્રષ્ટાચાર કરવાની છે. અહીં વાત પોતાના પદનો દૂરોપયોગ કરનારા અધિકારીઓની શાન ઠેકાણે લાવવાની છે. પણ અફસોસ આવી નૈતિકતા આજના કોર્પોરેશનના સત્તાધીશો કે, અધિકારીઓમાં લેશ માત્ર પણ નથી. અને એના લીધે જ કોર્પોરેશનનું તંત્ર ખાડે ગયુ છે.
મનોજ પાટિલને હજીસુધી ડિસમીસ કેમ નથી કર્યો ?
વડોદરા ફાયર બ્રિગેડના તત્કાલિન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલની નિમણૂક જ શંકાના ઘેરામાં હતી. એમની ડિગ્રી અને રજૂ કરેલા દસ્તાવેજોમાં પણ અનેક શંકાઓ ઉભી થઈ હતી. મનોજ પાટિલની નિમણૂક જ ખોટી રીતે કરવામાં આવી હોવાના આરોપો પણ લાગ્યા હતા. તેમ છતાંય બધા જ આરોપોથી ઉપરવટ જઈને મહારાષ્ટ્ર થી આવેલા મનોજ પાટીલ ને ચીફ ફાયર ઓફિસર તરીકેની મહત્વની પોસ્ટ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. હકીકતમાં વડોદરાના ચીફ ફાયર ઓફિસર બનતા પહેલા મનોજ પાટિલે અમદાવાદ ફાયર બ્રિગેડમાં પણ ઈન્ટરવ્યૂ આપ્યો હતો પણ ત્યાં તેમને ધરાર રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. આવા અમદાવાદના રિજેક્ટેડ પીસને વડોદરામાં નિમણૂંક આપવી તદ્દન ખોટી વાત હતી. હવે, મનોજ પાટિલે માત્ર પાંચ-છ મહિનાના કાર્યકાળ દરમિયાન ફાયર બ્રિગેડની ખરીદીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પુરાવા મળતા જ એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જો એમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો ડિસમીસ પણ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના હાથમાં છે કારણ કે, હજી મનોજ પાટિલ પ્રોબેશન પિરિયડમાં છે. હાલમાં મનોજ પાટિલની ખોટી નિમણૂંકને સુધારવાનો મોકો છે. જો, આ મોકો ચુકી જવાશે તો મનોજ પાટિલ જેવા અધિકારીઓ વડોદરામાં શું નહીં કરે તેવો સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવો તે તો ગુનો છે જ પરંતુ આવા ભ્રષ્ટાચારીઓને બચાવવા તે વધુ મોટો ગુનો છે.
Reporter: admin







