News Portal...

Breaking News :

સ્થાયીમાં રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ જૂના રૂ.2.53 કરોડના બીલ ચુકવણુની દરખાસ્ત

2025-08-28 13:59:43
સ્થાયીમાં રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ જૂના રૂ.2.53 કરોડના બીલ ચુકવણુની દરખાસ્ત


વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી વખતે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં પતરાં લગાવીને બેરિકેડિંગ કરનારા કોન્ટ્રાક્ટરના બાકી પડતા ૨.૫૩ કરોડ રુપિયા ચુકવવા માટે વડોદરા કોર્પોરેશનના કમિશનરે દરખાસ્ત તૈયાર કરી છે!! આગામી ૨૯મીએ આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થશે. પણ અહીં સવાલ એવો થાય છે કે, પાંચ વર્ષ પહેલા કોરોના કાળમાં થયેલા કામની દરખાસ્ત અચાનક સ્થાયી સમિતિમાં રજૂ કરવા પાછળનું કારણ શું ?



વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને વડોદરાનો ચાર્જ સંભાળ્યે હજી ગણતરીનાં મહિના જ થયા છે. અને તેમણે પાંચ વર્ષ જૂના પેમેન્ટને ચુકવી દેવાની દરખાસ્ત તૈયાર કરી છે. વાત એવી છે કે, વર્ષ ૨૦૨૦માં કોરોનાના કાળમાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સંક્રમણના સ્તરને વિસ્તારોમાં વિભાજીત કર્યું હતુ. અને તેને રેડ, યલો, ઓરેન્જ અને ગ્રીન જેવા ઝોનમાં ડિવાઈડ કર્યા હતા. આમ, એક ઝોનનું સંક્રમણ બીજા ઝોનમાં ના ફેલાય તે માટે આવા વિસ્તારોને પતરાં લગાવીને એકબીજાથી અલગ પાડવામાં આવ્યા હતા. આ પતરાં લગાવવાનું કામ રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યુ હતું. હકીકતમાં આ કામ માટે ૬૩૩ પ્રતિ ચોરસ મીટરની ઓફર હતી. જેની કુલ રકમ ૧.૨૮ કરોડ રુપિયા થતી હતી. પરંતુ, કોન્ટ્રાક્ટરે કામ માટેની ઓફર ૧૫૦ ટકા વધારે ભરી હતી. કોરોના કાળમાં કોન્ટ્રાક્ટરોએ આડેધડ ભાવ ભરવાનાં ચાલુ કર્યા હતા.જોકે, કોન્ટ્રાક્ટરની ઓફરનો ભાવમાં ઘટાડો કરવાનું કહેવામાં આવતા કોન્ટ્રાક્ટરે આખરે, ૯૭ ટકા વધારે ઓફર ભરી હતી. જેની કુલ રકમ ૨.૫૩ કરોડ રુપિયા થતી હતી. જોકે, જે તે સમયનાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે ભાગબટાઈમાં વાંધો પડતા રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનું બીલ અટકાવી દીધુ હતુ. હવે, આ વાતને પાંચ વર્ષ વિતી ગયા છે. અને પાંચ વર્ષ પછી નવા મ્યુનિસિપલ કમિશનરને અચાનક રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર પ્રત્યે કરુણા જાગી છે. અને એટલે તેઓ કોરોના કાળમાં પતરાં લગાવવાનું ૨.૫૩ કરોડ રુપિયાનું બીલ ચુકવવા માટે દરખાસ્ત રજૂ કરવા જઈ રહ્યા છે. આગામી ૨૯મીએ સ્થાયી સમિતિની બેઠકમાં રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ જૂના બીલનું ચુકવણુ કરી દેવાની દરખાસ્ત રજૂ કરાશ

વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પાંચ વર્ષ પહેલા થયેલા કામોના ૨.૫૩ કરોડ રુપિયા ચુકવવામાં અચાનક રસ પડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, જે તે સમયના મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટર પાસે કામ તો કરાવ્યું પણ કોઈ કારણસર એનું પેમેન્ટ કર્યુ ન હતુ. તેમ છતાંય આજના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ કોન્ટ્રાક્ટરને પૈસા ચુકવવા તૈયાર થયા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ દરખાસ્તમાં કોન્ટ્રાક્ટરની વ્યથા વ્યક્ત કરતા લખ્યુ છે કે, જે તે સમયે કોરોના કાળ હતો અને વિપરીત પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરે મજૂરોને બમણા ભાવો ચુકવીને કામ કરાવ્યુ હતુ. આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટરને પોતાને પણ કોરોના થઈ ગયો હતો. જોકે, આ બાબત તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર હતી. તેમ છતાંય તેમણે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કેમ ના કર્યું ? તે પણ એક સવાલ છે.



વર્ષ ૨૦૨૦માં વડોદરામાં કોરોના કાળ દરમિયાન પતરા લગાવવાનું કામ કરનારા રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરના ૨.૫૩ કરોડ રુપિયાનું બીલ છેલ્લા પાંચ વર્ષથી બાકી છે. કલ્પના કરો કે કોઈ કોન્ટ્રાક્ટરના પાંચ-પાંચ વર્ષથી કરોડો રુપિયા બાકી પડતા હોય તો શું એ શાંતિથી બેસી રહે ખરો ? હકીકતમાં રચના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનું પતરાં લગાવવાનું બીલ એકાએક અત્યારે સ્થાયીમાં રજૂ કરવામાં આવશે તે શંકા ઉપજાવે તેવી બાબત  છે. વડોદરાના અન્ય ઝોનમાં આવા જ પતરા લગાડ્યા હતા પરંતુ ત્યાં ભાવ એકદમ ઓછા હતા. કોરોના કાળમાં એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસરો, રાજ્ય સરકાર તરફથી મોકલાયેલા સનદી અધિકારી વિનોદ રાવ, આરોગ્ય અધિકારી,કલેક્ટર કમિશનર, ડેપ્યુટી કમિશનર દરેકે વ્યક્તિગત આર્થિક સ્વાર્થ માટે આડેધડ નિર્ણય લીધા હતા.ફરી પતરા કાંડ ગાજ્યું છે. અમારી માહિતી મુજબ સંકલનમાં સિનિયરમોસ્ટ ધારાસભ્યએ પણ વિશેષ રસ લીધો છે. શહેર પ્રમુખ પણ જુની દરખાસ્તો સેટલ કરવા મથી રહ્યા છે. અમે શરૂથી શંકા કરી છે કે કોઈ નેતા અને સનદી અધિકારી આ કેસમાં વિશેષ રસ લઈ રહ્યા છે. વર્ક ઓર્ડર આપતી વખતે પણ ભ્રષ્ટાચાર થયો છે. અને હવે પેમેન્ટ આપતી વખતે પણ ભ્રષ્ટાચાર થવા જઈ રહ્યો છે. એક પૂર્વ કાઉન્સિલરની પણ આ કેસમાં ભૂંડી ભૂમિકા છે. ભ્રષ્ટાચારીઓનું સંકલન કરવાની જવાબદારી સભાસેક્રેટરીએ લીધી છે કોરોના કાળમાં માનવતા મરી પરવારી હતી, હજી પણ કેટલાક નેતાઓ- અધિકારીઓ કોરોના કાળના બિલોને પણ સેટલ કરવા માટે મથી રહ્યા છે. કરોડપતિ નેતા થવું હોય તો ચોક્કસ ટેકનિકો શીખવી પડે.બજારભાવ કરતા બમણા ને ત્રણ ગણા ભાવ ચૂકવવા માટે સહિયારો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વિજીલન્સે આ મામલાની તપાસ કરીને પોલીસ કેસ દાખલ કરવો જોઈએ

Reporter:

Related Post