વડોદરા ખાતેની મુલાકાત દરમ્યાન એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઇજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં બાદ આજે સતત બીજા દિવસ સુધી તંત્ર ખડેપગે રહી બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. ત્યારે ઇજાગ્રસ્તોને મળવા માટે ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી ધનંજય દ્વિવેદી આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.પ્રિન્સિપલ સેક્રેટરીએ હોસ્પિટલમાં દાખલ ચાર ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તબીબો સાથે પણ ચર્ચા કરી હતી અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન, પ્રિન્સિપલ સેક્રેટરીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની પડખે ઊભી છે. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.આ ઉપરાંત, ઇજાગ્રસ્તોને મેજર ઇજા સિવાય શરીરના કોઈ ભાગમાં સંવેદના ગુમાવી હોય તે અંગેની ખાસ તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે, દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોમાંથી નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંગ કાનસિંગ રાજપુત, રાજુ દુદાભાઇ હાથીયા અને દિલીપભાઈ રાયસંગ પઢિયાર સારવાર હેઠળ છે. જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર કે જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતા પરિવાર સાથે પરત ફરેલ છે.
Reporter: admin







