દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલેલી તીખી ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો બાદ, શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
સત્રના સમાપન બાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી છે જે લોકશાહીની સુંદરતા દર્શાવે છે. આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયનાડના પ્રથમ વખતના સાંસદ પ્રિયંકા ગાંધી એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા.ખાસ વાત એ છે કે, ચોમાસું સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી આવી જ ચા પાર્ટીમાં રાહુલ ગાંધી સામેલ થયા ન હતા, પરંતુ આ વખતે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ આ પરંપરા નિભાવી હતી.
આ બેઠકમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, NCP (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલે અને ડી. રાજા જેવા વિપક્ષી નેતાઓ પણ હાજર હતા.આ બેઠકની સૌથી ખાસ વાત પ્રિયંકા ગાંધીની બેઠક વ્યવસ્થા હતી. વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુની સીટ આપવામાં આવી હતી, જ્યાં તેઓ રક્ષા મંત્રી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. તેમની બાજુમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠા હતા. આ તસવીરમાં લગભગ સમગ્ર વિપક્ષ હાજર જોવા મળ્યો હતો.
Reporter: admin







