પ્રદીપ ઠક્કર સામે અગાઉ નોંધાયા છે ૫૦થી વધુ ગુનાઓ. વડોદરા શહેરના પાણીગેટ અને અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા મારામારી અને પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ માથાભારે ઇસમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર આવેલી પરિવાર સોસાયટીમાં રહેતો માથાભારે પ્રદિપ ઠક્કર સામે શહરેના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો. જોકે પોલીસ પકડ ટાળવા સારૂ પ્રદીપ ઠક્કર નાસતો ફરતો હતો. જોકે તે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહિબીશનના ગુના પણ વોન્ટેડ હતો. હાલ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા માથાભારે શખ્સો પર વોચ રાખવામાં આવી રહીં છે. તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોત્રી ચેક પોસ્ટ પાસેથી પ્રદિપ ઠક્કરને દબોચી લીધો હતો. પ્રદિપ ઠક્કર સામે વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ ગુજરાતના અમદાવાદ, આણંદ, વલસાડ, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય ખાતે ચેઇન સ્નેચીંગ, લૂંટ-ધાડ, ખુનની કોશિષ, ખંડણી, અપહરણ, ઠગાઇ, વિદેશી દારુ રાખવા અને હેરાફેરી કરવા જેવા ૫૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
Reporter: News Plus