ખાડા પૂર્યાની જાણકારી અપાઈ પણ ખાડા પડવાના કારણને જાહેર નથી કરાયું
વડોદરા શહેરના રસ્તાઓ પર પડેલા ૫૫૨૯ ખાડા કોર્પોરેશન દ્વારા પુરાયા

શહેરના રાજમાર્ગો પર પડેલા પાંચ હજારથી વધારે ખાડા પૂરવામાં થયેલો ખર્ચ રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો પાસે વસુલો
વડોદરા કોર્પોરેશનમાં જેવી રીતે દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે છે પણ એના ખર્ચનો હિસાબ બહાર પાડવા માટે ક્યારેય મોટી સભા યોજાતી નથી. તેવી જ રીતે આજે કોર્પોરેશનના કહેવાતા હોંશિયાર અધિકારીઓએ આજે શહેરમાં પડેલા ખાડાઓનો હિસાબ જાહેર કર્યો હતો, પણ રસ્તા પર ખાડા પડવાના કારણો રજૂ કર્યા ન હતા. સ્વાભાવિક છે કે, દર ચોમાસે એવા જ રસ્તા પર ખાડા પડે છે જેની ગુણવત્તા બરાબર ના હોય.વડોદરા શહેરમાં જે દિવસથી ચોમાસુ શરુ થયુ તે દિવસથી આજદીન સુધીમાં કોર્પોરેશને જુદા જુદા રાજમાર્ગો પર ૫૫૨૯ ખાડા પૂર્યા હતા. વડોદરામાં આટલા બધા ખાડા પૂરવા પડે એટલે જ એને ખાડોદરા તરીકે સંબોધવામાં આવે છે. વડોદરા કોર્પોરેશને સત્તાવાર પ્રેસનોટ જાહેર કરીને ખાડાનું ગણિત રજૂ કર્યું છે. વાત એવી છે કે, વડોદરા શહેરના ૧૯ વોર્ડના જુદાજુદા રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડેલા કુલ ૫૫૨૯ ખાડા પૂરવાની કામગીરી કરાઈ છે. જેમાં ઉત્તર ઝોનમાં ૧૩૦૬, પૂર્વ ઝોનમાં ૧૭૨૯, પશ્ચિમ ઝોનમાં ૧૫૧૫, દક્ષિણ ઝોનમાં ૯૭૯ મળી કુલ ૫૫૨૯ ખાડા પૂરવામાં આવ્યા છે. શહેરના ખાડા પૂરવા માટે ૧૯૨૫૫ મેટ્રિક ટન હોટ મિક્ષ અને ૨૧૪૦ મેટ્રિક ટન વેટ મિક્ષના જથ્થાનો ઉપયોગ કરીને કુલ ૩૮.૪૨ કિલોમીટર રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું છે.
ખાડા પૂરવાનો ખર્ચ રોડના કોન્ટ્રાક્ટર પાસે વસુલવો જોઈએ
રસ્તા પર પડેલા ખાડા પૂરવામાં પાલિકાએ જેટલો ખર્ચ કર્યો હોય તે સંપૂર્ણ ખર્ચ રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટરો પાસેથી વસુલ કરવો જોઈએ. હકીકતમાં રસ્તાની હલ્કી ગુણવત્તાના કારણે જ ખાડા પડતા હોય છે. એટલે એ રસ્તો બનાવતી વખતે કોર્પોરેશનના જે અધિકારીએ સુપરવિઝન કર્યું હોય એની સામે પણ પગલા લેવા જોઈએ. દર વર્ષે ચોમાસામાં રસ્તા પર ખાડા પડતા હોય છે. અને દર વર્ષે એને પુરવા માટે પણ કરોડો રુપિયાનો ખર્ચ પાલિકાને વેઠવો પડે છે. આવો બેવડો ખર્ચ કરીને પ્રજાના પરસેવાના પૈસાનો વેડફાટ કરવો યોગ્ય નથી.
અંદાજીત બે કરોડ કિલોગ્રામ હોટ મિક્સ વપરાયું !!
રસ્તા પર ખાડા પડવાને કારણે કોર્પોરેશનને ભારે નુકસાન વેઠવુ પડ્યુ છે. નાણાનો આ એવો વેડફાટ છે જેને ક્યારેય વેઠી શકાય તેમ નથી. વડોદરાનાં નાના-મોટા રસ્તાઓ પર ચોમાસા દરમિયાન હજારો ખાડા પડ્યા હતા. કોર્પોરેશન સત્તાવાર સ્વીકારે છે કે, એણે ૫૫૨૯ ખાડા પૂર્યા છે. અને એમાં ૧,૯૨,૫૫,૦૦૦ કિલોગ્રામ હોટ મિક્ષ અને ૨૧,૪૦,૦૦૦ કિલોગ્રામ વેટ મિક્ષનો ઉપયોગ કરાયો છે. હવે, અંદાજીત બે કરોડ કિલોગ્રામ હોટ મિક્ષ અને ૨૨ લાખ કિલોગ્રામ વેટ મિક્સનો કરોડો રુપિયાનો ખર્ચ કોણ ઉઠાવશે ? પાલિકાની જાહેરાત બાદ પણ અમારે ના છૂટકે જણાવવું પડે છે કે રેસકોર્સ નટુભાઈ સર્કલ ઉપર પેટ્રોલ પંપની સામે, SBI તરફે આ સીઝનમાં જેટલી વખત ખાડા પૂરાયા એક અઠવાડિયામાં ફરી ખાડા પડ્યા હતા. હાલમાં પણ ખાડા પડેલી સ્થિતિમાં જ રોડ છે. વારંવાર ખાડા પૂરીને ફોટા પાડીને કોન્ટ્રાક્ટર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. અઠવાડિયામાં ફરી ખાડા પડે છે, જવાબદારી કોની ?
Reporter: admin







