News Portal...

Breaking News :

ઢોર ડબ્બા પાર્ટીમાં ચાલતી દલવાડીની,લાલિયાવાડી

2025-09-16 10:56:36
ઢોર ડબ્બા પાર્ટીમાં ચાલતી દલવાડીની,લાલિયાવાડી


અન્ય વિભાગોની જેમ ઢોર ડબ્બા પાર્ટીમાં પણ ચાલતો મસમોટો, નળીયાથી તળીયા સુધી ચાલતો ભ્રષ્ટાચાર...
હિંમત હોય, ધગશ હોય, બાથ ભીડવાની તાકાત હોય તો,દલવાડીની જેમ ઢોર ડબ્બા પાર્ટીમાંથી પણ લાખો રૂપિયા બનાવી શકાય


ઢોર ડબ્બા પાર્ટી ભ્રષ્ટાચાર કૌભાંડ
છાણી વિસ્તારમાં ઢોર ડબ્બા પાર્ટીનો ભ્રષ્ટાચાર કરી ગૌવંશ ન પકડવા માટે પશુપાલકો પાસેથી ઉઘરાવાય છે નાણાં
વડોદરા મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટી ફરી એક વખત ભારે વિવાદમાં આવી છે. શહેરનાં છાણી વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારી હાર્દિક દલવાડીની સીધી સંડોવણી સામે આવતા તંત્ર પર પણ પ્રશ્નચિન્હ ઊભા થયા છે. આરોપ છે કે હાર્દિક દલવાડી દ્વારા મોટા માલધારીઓ તથા પશુપાલકો પાસેથી રોકડ તેમજ ઓનલાઈન પેમેન્ટની માગણી કરવામાં આવે છે. પશુપાલકોએ જાહેર માર્ગો પર ગૌવંશ ન પકડાય તે માટે નિયમિત રૂપે નાણાં આપવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે.છાણી વિસ્તારમાં સવારે સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ઢોર ડબ્બા પાર્ટી કામગીરી બજાવે છે. પરંતુ અનેકવાર જોવા મળ્યું છે કે રોડ પર ગૌવંશ ફરતા હોવા છતાં તેમને પકડવામાં આવતા નથી. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે જાહેર માર્ગો પર છૂટાછવાયા ગાય-ઢોર હોવાને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે, ટ્રાફિક જામ સર્જાય છે અને નાના બાળકો સહિત વૃદ્ધોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તાજેતરમાં પશુપાલક દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીન શૉટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગંભીર બન્યો છે. 


આ જ નહીં, ઓગસ્ટ મહિનામાં પણ ઢોર ડબ્બા પાર્ટીના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો. જેમાં ખુલાસો થયો હતો કે ગૌવંશ ન પકડવા માટે નિયમિત રીતે નાણાં ઉઘરાવવામાં આવે છે. ત્રણ મહિના પહેલા પણ ધવલ, આદિલ અને ગણપત નામના કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી.આ બધાં બનાવોને કારણે સ્પષ્ટ થાય છે કે ઢોર ડબ્બા પાર્ટીની કામગીરી ભ્રષ્ટાચારનાં ગાળામાં ઘેરાઈ ગઈ છે. શહેરના કરદાતા નાગરિકોના ટેક્સમાંથી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે. છતાં જનહિતની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળે છે. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી પોતાના હિત માટે પશુપાલકો સાથે ગોટાળો કરીને તેમને રાહત આપે છે અને બદલે નાણાં ઉઘરાવે છે.આ પરિસ્થિતિથી વડોદરા શહેરમાં કાનૂની તથા વહીવટી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે. પાલિકા તંત્ર અનેકવાર શહેરમાંથી ઢોર હટાવવા દાવા કરે છે છતાં વાસ્તવિકતા એ છે કે મુખ્ય માર્ગો પર ગૌવંશનો ઉપદ્રવ વધતો જાય છે. તેના લીધે અનેક વખત ગંભીર અકસ્માતો થયા છે અને લોકોના જીવ ગુમાવવાના બનાવો બન્યા છે.હવે મોટો સવાલ એ છે કે ઢોર ડબ્બા શાખાના ઉપરી અધિકારીઓ આ મામલે શું પગલાં લેશે?હાર્દિક દલવાડી સામે કડક શિસ્તનુસાર કાર્યવાહી થશે કે મામલો ફરી દબાવી દેવાશે? અગાઉના કૌભાંડોમાં કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નહોતાં જેના કારણે જ કર્મચારીઓના મનોબળ વધુ બળવાન બન્યા હોવાનું નાગરિકોનું માનવું છે.આ સમગ્ર મામલે શહેરના નાગરિકોમાં ભારે રોષ છે. લોકો સોશિયલ મીડિયા પર પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. "જાહેર માર્ગો પર ગૌવંશ છોડીને જનતાની સુરક્ષા સાથે રમખાણ કરાય છે, અને અધિકારીઓ આંખ મીંચીને બેઠા રહે છે," એવા આક્ષેપો થઈ રહ્યા છે. સામાન્ય નાગરિકોના મતે આ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે ઉચ્ચ સ્તરે તપાસ જરૂરી બની ગઈ છે.નિષ્ણાતોનું પણ કહેવું છે કે જો તંત્ર દ્વારા કડક પગલાં ન લેવાય તો શહેરમાં ઢોર ઉપદ્રવની સમસ્યા કદી ઉકેલાશે નહીં. પાલિકાના તંત્રે ઉદાહરણરૂપ પગલાં લઈ જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો પુનરાવર્તિત ન થાય.હવે જોવાનું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા આ મામલે કઈ દિશામાં આગળ વધશે? શું હાર્દિક દલવાડી અને સંડોવાયેલા કર્મચારીઓ સામે નક્કર કાનૂની પગલાં ભરવામાં આવશે કે પછી હંમેશની જેમ આ મુદ્દો થોડા દિવસોમાં ઠંડો પડી જશે?

Reporter: admin

Related Post