આગામી ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં સુરક્ષા અને સલામતીના પગલાંને વધુ મજબૂત કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર SOG દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મોલ, શોપિંગ સેન્ટરો, બાગ-બગીચા, હોસ્પિટલો અને થિયેટરો જેવા ભીડભાડવાળા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આગામી તહેવારો દરમિયાન શહેરમાં લોકોની અવરજવર વધવાની સંભાવનાને ધ્યાને લઈને સુરક્ષા વ્યવસ્થાને કડક કરવા અને સરપ્રાઇઝ ચેકિંગની સૂચનાઓ આપી છે. આ નિર્દેશોના પાલનમાં SOGના PI એસ. ડી. રાતડાના નેતૃત્વમાં આજે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન SOG ટીમે સેન્ટ્રલ બસ સ્ટેશન, સિટી બસ સ્ટેશન, આસપાસની દુકાનો, શોપિંગ સેન્ટરો, પાર્સલ ઓફિસો, બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડેલા સામાન અને પાર્કિંગમાં ઉભેલા વાહનોની ઝીણવટભરી તપાસ કરી હતી.વડોદરા રેલ્વે સ્ટેશનની આસપાસની ખાણી-પીણીની દુકાનો અને પાર્કિંગ વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. બસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર લોકોનું સ્કેનિંગ કરવામાં આવ્યું અને આવતા-જતા મુસાફરોને સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ કે ગુનાહિત પ્રવૃત્તિ જોવા મળી નથી.આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર એસ.ઓ.જી. દ્વારા આધુનિક ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરીને સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. નાગરિકોની સુરક્ષા અને સલામતીની ખાતરી કરવા સુરક્ષા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Reporter: admin







