૧૫ દિવસમાં ૩૫૬ કેસ, લાખોનો મુદ્દામાલ કબ્જે, ૧૮૯ આરોપી ઝડપાય
ચૂંટણી પહેલા શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ પોલીસની સઘન કામગીરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ સખત કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટેશનો અને બ્રાન્ચો દ્વારા સઘન ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા તા. 01 એપ્રિલ 2026 થી અત્યાર સુધી પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 356 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં દેશી દારૂના 171, ઇંગ્લિશ દારૂના 45 તેમજ પીધેલાની હાલતમાં ઝડપાયેલા 148 કેસોનો સમાવેશ થાય છે.
ઉપરાંત ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 55 કેસો પણ નોંધાયા છે, જે દર્શાવે છે કે પોલીસે માર્ગ સલામતી પર પણ ખાસ ધ્યાન આપ્યું છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો કબજે કર્યો છે. જેમાં કુલ 1102 લીટર દેશી દારૂ તથા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 4920 જેટલી બોટલો અને બિયર ટીનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 43.35 લાખ રૂપિયા જેટલી થાય છે.પોલીસે આ કેસોમાં અત્યાર સુધી કુલ 189 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત, ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે 179 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. વધુમાં 10 આરોપીઓને પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલવામાં આવ્યા છે.ચૂંટણી દરમિયાન કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ ન થાય અને મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સઘન કામગીરીને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળી રહી છે.પોલીસ તંત્રએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી ચૂંટણી દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખી શકાય.
Reporter: admin







