વડોદરા શહેર પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવી અનેક પ્રકારના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની યાદી બનાવી જુદા જુદા રાજ્યોમાં ટીમો મોકલી તેમની ધરપકડ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ રહીં છે. તેવામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પહોંચેલી પોલીસની ટીમે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે.શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસે ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં પોલીસ કૂલ 6 ટીમો બનાવી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ધામા નાખ્યાં હતા. ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના ઝોન-1 અને ઝોન-2ની ટીમ નાસતા ફરતા આરોપીઓની શોધમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચી હતી. જ્યાં ત્રણ રાજ્યોમાં નાસતા ફરતા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પકડાયેલા આરોપીઓ
1) વર્ષ 2012માં સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં દિનેશ ખીટકોલ ખટામા અને માનસીંગ ખીટકોલ ખટાણા મુળ રાજસ્થાનના રહેવાસી હતા. ગુનો બન્યો ત્યારે તેઓ પ્રિયલક્ષ્મી મીલ ખાતે રહેતા હતા. ગુનો નોંધાતા બન્ને પોલીસ ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હતા. જેથી છેલ્લા 12 વર્ષથી ફરાર બન્ને આરોપીઓ રાજસ્થનના ભરતપુર જિલ્લામાં આવેલા રાસેલી ગામે હોવાનું જાણવા મળતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.
2) વર્ષ 2025માં હરણી પોલીસ સ્ટેશનની હદમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદારની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં ફરાર સીદીક ઉર્ફે રાજા જહાંગીર બેગ (રહે. ઇરાની કોલોની મધ્યપ્રદેશ તથા જીતેશ ઉર્ફે પ્પુ ઘનશ્યામ સોની બન્નેને મધ્યપ્રદેશથી શોધી કાઢી પકડી લેવામાં આવ્યાં હતા.
3) વર્ષ 2019માં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઠગાઇ અને છેતરપીંડીના ગુનામાં ફરાર દુર્ગાપ્રસાદ રામદુલારે મિશ્રા મુળ રહે. ઉત્તરપ્રદેશનો છેલ્લા છ વર્ષથી ફરાર હોવાથી તેને આખરે મુંબઇના દહિસરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
2002ના નાસતા ફરતા આરોપીનું 2022માં મોત નિપજ્યું
વર્ષ 2002માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં એસ.એસ. શ્રીધરણ નાસતો ફરતો હોવાનું ટીમના ધ્યાને આવ્યું હતુ. જેથી તેની તપાસ કરતા પોલીસને તેનું લોકેશન ચેન્નાઇના તામિલનાડુ ખાતે હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તામિલનાડુ પહોંચેલી પોલીસે તપાસ કરતા એસ.એસ. શ્રીધરણનું વર્ષ 2022માં મોત નિપજ્યું હોવાની માહિતી મળી હતી.



Reporter: admin







