વડોદરા : જિલ્લામાં નવરાત્રીના ગરબા આયોજનના તમામ લોકેશનનું પોલીસ દ્વારા મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ખેલૈયાઓની સુરક્ષા સાથે અસરકારક ટ્રાફિક નિયમન માટે પોલીસે માઇક્રો પ્લાનિંગ શરૂ કર્યું હોવાનું જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદના ભાયેલી વિસ્તારમાં ગતવર્ષે ઓક્ટોબર મહિનામાં નવરાત્રીના બીજા નોરતાની રાતે અવાવરૂ સ્થળે સગીર બોયફ્રેન્ડ સાથે વાતો કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની સાથે ગેંગ રેપ થયો હતો. બોયફેન્ડને ગોંધી રાખી હવસખોરોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાના પરથી બોધપાઠ લેતી પોલીસે આ વર્ષની નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા માટે જડબેસાલક પ્લાનિંગ શરૂ કર્યું છે.
આ મામલે જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, જિલ્લામાં નવરાત્રી દરમિયાન વડોદરા જિલ્લામાં મોટા પાયે ઉજવણી થવાની છે. જેથી પોલીસ દ્વારા ગરબા આયોજકો સાથે બેઠક કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા મોટા સાત અને બીજા નાના મળી તમામ ગરબાના લોકેશનનું મેપિંગ કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત ગરબા સ્થળની વિઝીટની કામગીરી પણ ચાલુ છે. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સાથે ખૈલૈયાઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા રહેશે.
Reporter: admin







