News Portal...

Breaking News :

સુખલીપુરા જમીન વિવાદમાં દિલીપ અને કમલેશને શોધવા પોલીસના ઠેર ઠેર દરોડા

2025-01-30 10:00:10
સુખલીપુરા જમીન વિવાદમાં દિલીપ અને કમલેશને શોધવા પોલીસના ઠેર ઠેર દરોડા


વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3 ભાજપના કોર્પોટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બહાને ઠગાઇ કરવાના ગુનામાં આરોપી  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ તથા કમલેશ દેત્રોજાને શોધવા માટે પોલીસે ઠેર ઠેર દરોડા પાડ્યા છે પણ બંને  પોલીસથી બચવા ફરાર થઇ ગયા છે. 


બંને પોતાના ઘરે તાળુ મારી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સોદાબાજીના અઠંગ ખેલાડીઓ એવા દિલીપ ગોહિલ અને કમલેશ દોત્રોજાની ઇકો સેલ દ્વારા શોધખોળ શરુ કરાઇ છે. પોલીસે બંનેના ફોન પણ સર્વેલન્સમાં મુકી દીધા છે અને મોબાઇલ લોકેશન શોધી રહી છે. બીજી તરફ બંનેની કોલ ડિટેઇલ પણ ચકાસાઇ રહી છે. દિલીપ અને કમલેશ કોના કોના સંપર્કમાં હતા અને જ્યારે આ ગુનો નોંધાયો ત્યારે કોની સાથે સતત સંપર્કમાં હતા અને છેલ્લે કોની સાથે વાત થઇ હતી તેની પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે. પોલીસે બંનેના સગાવ્હાલા અને મિત્રો પાસેથી તથા બાતમીદારો પાસેથી પણ બંને ક્યાં છુપાયા છે તે જાણવાની કોશિશ કરી રહી છે. 


આ સાથે દિલીપ અને કમલેશનો ભુતકાળ પણ પોલીસ ચકાસી રહી છે. ઉલ્લેખનિય છે કે દિલીપ ગોહિલનો ભુતકાળ પણ ખરડાયેલો છે અને તેની સામે ચેક બાઉન્સના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેને કોર્ટના ચક્કર કાપવા પડે છે.દિલીપ અને કમલેશ પકડાશે તો તેમના અનેક કારનામા બહાર આવશે તે ચોક્કસ છે. પોલીસ જમીનના મૂળ માલિકની પણ પૂછપરછ કરી શકે છે તો પરાક્રમસિંહની પણ પૂછપરછ કરી શકે છે. દિલીપસિંહ રાજકારણી હોવાથી અગાઉ તેની ઠગાઇનો ભોગ બનેલા લોકો તેની સામે ફરિયાદ કરતા ડર અનુભવતા હશે પણ હવે જ્યારે તેની સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે ત્યારે લોકો હવે સામે ચાલીને પોલીસનો સંપર્ક કરશે તેવું પણ મનાઇ રહ્યું છે.

Reporter: admin

Related Post