વડોદરા લોકસભા બેઠકમાં સાવલીના ભાજપના ધારાસભ્યની એક ફેક પોસ્ટ વાઇરલ કરવાના મામલે તેમના પી.એ. દ્વારા સાવલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે.આ બનાવની વિગત એવી છે કે, સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના પી.એ. તરીકે ફરજ બજાવતા કમલસિંહ સીસોદીયાએ સાવલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદ અનુસાર, તેઓ આજરોજ સવારે મતદાન કરવા માટે નિકળ્યા હતા. ત્યારે ગંગોત્રી હાઇસ્કુલ પર ધારાસભ્ય કેતન ઇનામદાર તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંય્યાં હતા. જ્યાં મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને બાદમાં તેઓ સાવલી વિધાનસભા ક્ષેત્રના જુદા જુદા બુથની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન બપોરના પોણા બે વાગ્યાની આસપાસ કેતન ઇનામદારે તેઓના પી.એ. કમલસિંહને એક વાઇરલ ન્યુઝ પોસ્ટ શેર કરી હતી. જેમાં એક ખાનગી પોર્ટલ પર સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હોવાનું લખેલું હતુ. જેથી પોર્ટલ ન્યુઝના તંત્રી ગીરીશભાઇ સોલંકીનો આ બાબતે ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, તેમના તરફથી આવા કોઇ ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યાં નથી. અને કોઇ ટીખળખોરોએ તેમના ન્યુઝની ઓરીજીનલ પોસ્ટ કે જેમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું તેવું લખવામાં આવ્યું હતુ. તેમાં એડીટીંગ કરી તેમના ન્યુઝ બેનર હેઠળ ખોટી પોસ્ટ સોશીયલ મીડિયામાં વાયરલ કરી છે.આમ સાવલી વિધાનસભા મત વિસ્તારમાં બપોરના એક વાગ્યાની આસપાસ 40 ટકા સુધી મતદાન થયું હોવાથી અમારા પક્ષ તથા ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે વિપક્ષના કોઇ અજાણ્યાં શખ્સ દ્વારા ખોટી રીતે એડીટીંગ કરી ધારાસભ્ય કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન કર્યું છે, તેવી ખોટી પોસ્ટ સોશીયલ મીડિયામાં વોટ્સએપમાં વાયર કરી છે.
જેથી આ મામલે સાવલી પોલીસ સ્ટેશન ખાતે આ મામલે આઇ.ટી એક્ટની કલમ 469, 171 G હેઠળ ગુનો નોંધી ખોટી પોસ્ટ એડીટીંગ કરી સોશીયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
Reporter: News Plus