અમદાવાદ: ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે.
આજે સવારે વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં (Zydus School) બોમ્બ મુક્યાનો ધમકી ભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
Reporter: admin







