News Portal...

Breaking News :

રસ્તા પર સ્ટંટ કરનાર બાઈક ચાલક સામે પોલીસ કાર્યવાહી

2026-04-14 10:49:07
રસ્તા પર સ્ટંટ કરનાર બાઈક ચાલક સામે પોલીસ કાર્યવાહી



વાયરલ વિડિયોના આધારે સયાજીગંજ પોલીસે આરોપીને બોલાવી ઝડપી લીધો

કમાટીબાગ વિસ્તારમાં સ્ટંટ કરતો બાઈક ચાલક પોલીસના જાળમાં ઝડપાયો


વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી જીવલેણ સ્ટંટ કરનાર બાઈક ચાલક સામે સયાજીગંજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કમાટીબાગ વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી.માહિતી મુજબ, ગત 12 એપ્રિલ 2026ની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ નરહરી સર્કલથી કાળાઘોડા તરફ જતા માર્ગ પર એક યુવક પોતાની Yamaha R15 બાઈક પર ઉભો રહી સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે બેદરકારીપૂર્વક બાઈક હંકારી પોતાની તેમજ અન્ય વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકી હતી. ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં મૂકતા તે ઝડપથી વાયરલ થયો હતો.વાયરલ વિડિયોની નોંધ લેતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. 

તપાસ દરમિયાન બાઈક નંબર GJ-06-LD-2823 હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઇ-ગુજકોપ એપ્લિકેશનના આધારે વાહન માલિકની વિગતો મેળવી બાઈક ચાલકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા વીડિયો બતાવતા યુવકે પોતે જ સ્ટંટ કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ નીખીલભાઈ મણીલાલ જાદવ (રહે. સરસ્વતીનગર, ઓલ્ડ છાણી રોડ, ફતેગંજ) સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે જણાવ્યું છે કે આવા સ્ટંટથી માત્ર પોતાની જ નહીં પરંતુ અન્ય લોકોની જિંદગી પણ જોખમાય છે. આવી ગફલતભરી હરકતો સામે કડક પગલાં લેવામાં આવશે. શહેરના યુવાનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જાહેર માર્ગો પર સ્ટંટ ન કરવા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post