News Portal...

Breaking News :

વડોદરામાં એનાલોગ પનીર મુદ્દે SOG અને VMCની સંયુક્ત ચેકિંગ

2026-04-14 10:45:55
વડોદરામાં એનાલોગ પનીર મુદ્દે SOG અને VMCની સંયુક્ત ચેકિંગ



શહેરની ડેરીઓમાં તપાસ, નિયમો મુજબ લેબલિંગ અને ગુણવત્તા ચકાસણી પર ભાર

SOG અને ફૂડ વિભાગની ટીમે શહેરની ડેરીઓમાં પનીર ઉત્પાદન અંગે ચેકિંગ હાથ ધર્યું


વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને જન આરોગ્યને ધ્યાનમાં રાખી એસ.ઓ.જી. અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પનીર ઉત્પાદક એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. “એનાલોગ પનીર” તરીકે ઓળખાતા કૃત્રિમ પનીરના વેચાણ અંગે મળતી બાતમીઓને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ વિભાગ દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં આ ચેકિંગ હાથ ધરાયું હતું. એસ.ઓ.જી.ની ટીમ સાથે ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓએ જોડાઈ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓમાં તપાસ કરી હતી.ચેકિંગ દરમિયાન સોમા તળાવ વિસ્તારમાં ગીરીરાજ રેસિડન્સી પાસે આવેલી સાઇનાથ મિલ્ક સપ્લાયર, સરદાર એસ્ટેટમાં આવેલી તાજ ડેરી અને ગાયત્રી ફૂડ્સ પ્રોવિઝન જેવી એકમોની મુલાકાત લેવામાં આવી હતી. 

અહીં પનીરના ઉત્પાદન, ઉપયોગમાં લેવાતા દૂધની ગુણવત્તા, પ્રોસેસિંગ યુનિટની સ્વચ્છતા અને પેકેજિંગ પર જરૂરી લેબલિંગની સઘન તપાસ કરવામાં આવી હતી.ટીમે ખાસ કરીને તપાસ્યું કે ક્યાંય એનાલોગ પનીરનું ઉત્પાદન અથવા વેચાણ થઈ રહ્યું છે કે કેમ, તેમજ જો આવું હોય તો તેની યોગ્ય રીતે ઓળખ અને લેબલિંગ કરવામાં આવી છે કે નહીં. સાથે જ વેચાણના બિલ, કાચા માલ અને સપ્લાય ચેનની પણ ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન કોઈ પણ એકમમાં એનાલોગ પનીર મળી આવ્યું નથી. જોકે, ફૂડ વિભાગના અધિકારીઓએ તમામ ડેરી સંચાલકોને પેકેજિંગ પર નિયમ મુજબ જરૂરી માહિતી દર્શાવવાની અને ગુણવત્તા જાળવવાની કડક સૂચના આપી હતી.આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગેરરીતિઓ સામે તંત્ર સજાગ છે. શહેરના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા આવા ચેકિંગ અભિયાન આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.

Reporter: admin

Related Post