ટેક્નિકલ ખામીથી કામગીરી ઠપ, કલાકો સુધી રાહ જોવી પડી
દરજીપુરા RTO ખાતે સર્વર ડાઉન થતાં અરજદારોને ભારે હાલાકી
વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં આવેલી RTO કચેરી ખાતે ટેક્નિકલ ખામીના કારણે અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થવાને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ જતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો.માહિતી મુજબ, RTOમાં જીસ્વાન સર્વરની કનેક્ટિવિટી અચાનક ખોરવાતા આખું કામકાજ અસરગ્રસ્ત બન્યું હતું.
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટેસ્ટ આપવા માટે દૂર દૂરથી આવેલા અરજદારો લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા હતા. ઘણા અરજદારો સવારે વહેલા પહોંચી ગયા હતા, છતાં પણ ટેક્નિકલ ખામીના કારણે તેઓને ટેસ્ટ આપી શક્યા નહોતા.સર્વર ડાઉન થતાં કચેરી બહાર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અરજદારોને કલાકો સુધી ઉભા રહેવું પડ્યું, જેના કારણે ગરમીમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ આ વ્યવસ્થાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો અને સમયસર સમસ્યા ઉકેલવામાં ન આવતા નારાજગી વ્યક્ત કરી હતી.અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ સમયસર એપોઇન્ટમેન્ટ લઈ ટેસ્ટ આપવા માટે આવ્યા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે તેમનો આખો દિવસ બગડી ગયો. ઘણા લોકો દૂરના વિસ્તારોમાંથી આવ્યા હોવાથી તેમને ફરીથી આવવું પડશે, જે તેમના માટે વધારાની મુશ્કેલી બની છે.આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ટેક્નિકલ સુવિધાઓની સ્થિતિ અને તેની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ ટેક્નિકલ ટીમ દ્વારા ખામી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Reporter: admin







