વડોદરા જીલ્લાના ડેસર પાસેના વછેસર ગામની સીમમાં ફાર્મહાઉસમાં ધમધમી રહેલા કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડીને 10 આરોપીને ઝડપી લીધા હતા જ્યારે કોલ સેન્ટર ચલાવનારા મહેસાણા જીલ્લાના 2 શખ્સને વોન્ટેડ જાહેર કરાયા હતા. વડોદરા શહેર જીલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઉપરાછાપરી દરોડા પડતા પોલીસ તંત્રમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ શખ્સો ફાર્મ હાઉસના બંધ મકાનમાં બેસીને ગુજરાતમાં અલગ અલગ ડેટાના આધારે લોકોને ફોન કરતા હતા અને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપતા હતા. લોકો લાલચમાં ફસાઇ જાય ત્યારબાદ તેની પાસે ઉંચુ રોકાણ કરાવીને પૈસા પડાવી લેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે ડેસર પાસેના વછેસર ગામની સીમમાં પરમાર જીતેન્દ્રસિંહ અનોપસિંહના ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા અહીં ગેરકાયદેસર કોલ સેન્ટર ધમધમતું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી 26 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા જ્યારે સીસીટીવી ડીવીઆર મળીને કુલ 116650 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફાર્મહાઉસમાં બેસીને કોલ કરનારા ટીમ હેન્ડલર ઠાકોર હસમુખ વીજેસિંહ (રહે, કકુંપુરા, મહેસાણા), કોલ ઓપરેટર ઠાકોર પ્રકાશજી રમેશજી (ડભોડા, મહેસાણા), ઠાકોર નાગજી દશરથજી (રહે, સાહપુર, મહેસાણા), કમલેશ કુમાર શંકરભાઇ ગરાસીયા (ઉંડાણી, મહેસાણા), ઠાકોર કિસ્મત રમેશજી (સાબલીયા, મહેસાણા), ઠાકોર સુનીલકુમાર રમેશજી (રહે, ડભોડા, મહેસાણા) તથા ઠાકોર સાહિલજી ગોવિંદજી ( ખટાસણા, મહેસાણા) તથા ઠાકોર યોગેશજી ભરતજી (રહે, સાહપુર, મહેસાણા) તથા ઠાકોર અજય રમેશજી (રહે, છાપલીયા, મહેસાણા) અને પરમાર જીતેન્દ્રસિંહ અનોપસિંહ (વછેસર)ને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં મહેસાણાના સાબલપુરનો ઠાકોર શૈલેશ ઉર્ફે એસ કે ઠાકોર કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સુત્રધાર હોવાનું અને ઠાકોર અનિલ તેનો પાર્ટનર હોવાનું બહાર આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરીને બંનેની શોધખોળ શરુ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ શખ્સો ફાર્મ હાઉસના બંધ મકાનમાં બેસીને ગુજરાતમાં અલગ અલગ ડેટાના આધારે લોકોને ફોન કરતા હતા અને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપતા હતા. લોકો લાલચમાં ફસાઇ જાય ત્યારબાદ તેની પાસે ઉંચુ રોકાણ કરાવીને પૈસા પડાવી લેતા હતા.
નજર રાખવા માટે સીસી ટીવી કેમેરા પણ લગાવ્યા હતા
પોલીસે કહ્યું કે પકડાયેલા તમામ શખ્સો પૈકી એક ટીમ હેન્ડલર છે અને બાકીના 9 શખ્સ કોલ ઓપરેટરો છો અને તમામ મહેસાણા જિલ્લાના અલગ અલગ ગામના છે જ્યારે કોલ સેન્ટર ચલાવનાર એસ.કે ઠાકોર અને તેનો પાર્ટનર અનિલ ઠાકોર પણ મહેસાણાના સાબલપુરના છે. તમામ શખ્સો મહેસાણા છોડીને પોલીસથી બચવા માટે વડોદરા જીલ્લાના વછેસર ગામના આ ફાર્મહાઉસમાં કોલ સેન્ટર ચલાવતા હતા અને કોઇ આવે તો ખબર પડી જાય તે માટે સીસી ટીવી પણ ફાર્મહાઉસમાં લગાવેલા હતા. જો કે પોલીસે તેમને ચકમો આપીને દરોડો પાડ્યો હતો. પોલીસની પકડથી બચવા માટે આરોપીઓએ મહેસાણા છોડીને વડોદરા જીલ્લાના અંતરીયાળ ગામને પસંદ કર્યું હતું છતાં તેઓ પોલીસના રડારમાં આવી ગયા હતા.
Reporter: admin







