રથયાત્રા અને મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તેવા હેતુથી હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ગોરવા પોલીસે મિટિંગનું આયોજન કર્યું હતું.
આ મીટીંગમાં શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. વડોદરામાં આગામી દિવસોમાં અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાની છે તો બીજી તરફ આગામી ૧૭ જુલાઈના રોજ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર મહોરમ પણ આવી રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરની શાંતિમાં કોઈ ખલેલ ના પડે તેવા આશય સાથે શહેર પોલીસ વિભાગ દ્વારા દરેક વિસ્તારના પોલીસ મથક ખાતે હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરવાનું આયોજન હાથ ધરાયુ છે. ગોરવા પોલીસ મથકે પી.આઈ કે.એન.લાઠીયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિના સભ્યો સાથે મીટીંગ યોજાઈ હતી.
ગોરવા ખાતે આયોજિત આ મીટીંગમાં બંને કોમના પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારાના સંદેશ સાથે ઉજવવા અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી.છેલ્લા ઘણા સમયથી શહેરમાં હિન્દૂ મુસ્લિમ કોમના નાગરિકો દ્વારા દરેક તહેવારને ભાઈચારા અને કોમી એખલાસના સંદેશા સાથે ઉજવવામાં આવે છે તેવા સમયે શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને અને શહેરમાં શાંતિ સલામતી જળવાય રહે તેવા અભિગમ સાથે શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા જરૂરી સૂચનાઓ અને હુકમો બહાર પાડવામાં આવ્યા છે. આ સૂચનો તેમજ હુકમોને દરેક પોલીસ મથકના અધિકારીઓએ લેખિતમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનોને આપવા અંગે પણ કમીશ્નર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગોરવા પોલીસ મથક ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં બંને કોમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Reporter: News Plus