News Portal...

Breaking News :

પાવાગઢ ડુંગરે ડોરમેટરી અને અન્નક્ષેત્ર બનાવવાનું કામ ચાલે છે પાવાગઢમાં રોપ-વે સેવાની પાસે એક ભવ્ય પાર્કિંગ બનશે

2024-09-24 16:29:18
પાવાગઢ ડુંગરે ડોરમેટરી અને અન્નક્ષેત્ર બનાવવાનું કામ ચાલે છે પાવાગઢમાં રોપ-વે સેવાની પાસે એક ભવ્ય પાર્કિંગ બનશે


પાવાગઢ : નવરાત્રી દરમિયાન ઘણાં ભાવિ ભક્તો પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થે જતાં હોય છે. ત્યારે આ વખતે નવલાં નોરતામાં મહાકાળી માતાના આશીર્વાદ લેવા જતાં ભક્તોને ખાસ સુવિધાનો લહાવો મળશે. 


પાવાગઢમાં ટૂંક જ સમયમાં ડુંગર ઉપર જ રહેવાની સગવડ, મોટું અન્નક્ષેત્ર, યજ્ઞકુંડ અને નવા પાર્કિંગ જેવી સુવિધાનો લાભ મળશે. અત્યાર સુધી દૂર-દૂરથી આવનાર માઈ ભક્તોને ત્યાં રહેવાની મુશ્કેલી પડતી હતી. પરંતુ, હવે યાત્રાળુઓને તકલીફ નહીં પડે. કારણ કે, હવે ડુંગર ઉપર જ રહેવાની સુવિધા મળશે.ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર હોવાથી લોકોનો જેટલો ધસારો હોય છે, તેટલી રહેવાની સુવિધા મળતી નથી. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ, હવે પાવાગઢના ડુંગર ઉપર જ મોટી ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. જેથી લોકો રાત્રિ દરમિયાન આવ્યા હોય તો દિવસે બે-ત્રણ કલાક આરામ માટે રોકાઈ શકે. આ સિવાય પાવાગઢમાં દર્શને આવતાં ભક્તોને જમવાની મુશ્કેલી ન પડે તે માટે પણ આયોજન કરાયું છે. 


પાવાગઢમાં વિશાળ અન્નક્ષેત્રનું કામ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ અન્નક્ષેત્રમાં એકસાથે 600થી વધુ લોકો સાથે બેસીને ભોજન કરી શકશે.લગભગ દોઢ વર્ષ પહેલાં પાવાગઢમાં ડોરમેટરી અને અન્નક્ષેત્ર બનાવવાનું કામ શરુ થઈ ગયું હતું. હાલ આ બન્નેનું 80 ટકા જેટલું કામકાજ પૂરું થઈ ગયું છે અને નવરાત્રિ સુધીમાં આ સુવિધા ભક્તો માટે ખુલ્લી મૂકી શકાય તેવી સંભાવના છે. પાવાગઢમાં નિર્માણ થઈ રહેલાં આ ડોરમેટરી તેમજ અન્નક્ષેત્રની ઇમારતનો દેખાવ પણ મંદિરના સ્ટ્રક્ચર જેવો જ રાખવામાં આવ્યો છે. આ સિવાય પાવાગઢમાં દૂર-દૂરથી વાહન લઈને આવતા ભક્તોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા આ મુશ્કેલી પણ દૂર કરી દેવાઈ છે. પાવાગઢમાં જ્યાંથી રોપ-વે સેવાની શરુઆત થાય છે, ત્યાં જ એક ભવ્ય પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ નવા પાર્કિંગમાં 400થી વધુ કાર, આશરે 100 જેટલી બસો અને ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટનો એક માળ બનીને તૈયાર થઈ ગયો છે અને પહાડી વિસ્તારમાં બનેલા પાર્કિંગ એરિયાનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે.

Reporter: admin

Related Post