વડોદરા: સેન્ટ્રલ બસ ડેપોમાં શૌચાલયનો ઉપયોગ કરવા માટે યુરિન કરવા પણ મુસાફરો પાસેથી પાંચથી દસ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે.
શૌચાલય કર્મચારી દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા અને રોષ ફેલાયો છે. આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છે.વિડીયો વાયરલ થયા બાદ અન્ય મુસાફરો સાથે વાતચીત કરવામાં આવતા અનેક લોકોએ યુરિન માટે પણ ફરજિયાત રૂપિયા ચૂકવવા પડતા હોવાની સહમતી વ્યક્ત કરી હતી. મુસાફરોનું કહેવું છે કે શૌચાલયમાં પ્રવેશ કરતા જ રૂપિયા માંગવામાં આવે છે અને ઇનકાર કરવામાં આવે તો વાદવિવાદની પરિસ્થિતિ સર્જાય છે. મજબૂરીમાં લોકો પૈસા ચૂકવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખુલ્લામાં શૌચમુક્ત ભારતના હેતુથી જાહેર શૌચાલયોની સુવિધા વિકસાવવામાં આવી છે.
નિયમ મુજબ પે એન્ડ યુઝ શૌચાલયોમાં યુરિનલની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવી જોઈએ, જ્યારે માત્ર લેટ્રીન માટે નક્કી કરેલ ચાર્જ જ વસૂલવાનો હોય છે. સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર દરરોજ રાજ્યના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો મુસાફરોની અવર-જવર રહે છે. આ બસ સ્ટેન્ડ પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. આ સમસ્યા માત્ર એસટી ડેપો પૂરતી સીમિત નથી. વડોદરા શહેરમાં લોકભાગીદારીથી શરૂ કરાયેલા અનેક જાહેર શૌચાલયોમાં પણ યુરિન માટે રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદો અગાઉથી છે. આ સમગ્ર મામલે જાગૃત નાગરિકે સરકાર અને સંબંધિત સત્તાધીશોને ધ્યાન દોરી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
Reporter: admin







