મુસાફરોની સુવિધા અને સંતોષ માટે વડોદરા એરપોર્ટ પર યાત્રી દિવસની અનોખી ઉજવણી

યાત્રી દિવસ નિમિત્તે એરપોર્ટ પર ખાસ કાર્યક્રમો, મુસાફરો સાથે સીધી વાતચીત
વડોદરા એરપોર્ટ પર પહેલીવાર યાત્રી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સમસ્યાઓને સમજવો, તેમની સૂચનાઓ સાંભળવી અને એરપોર્ટ સેવાઓમાં વધુ સુધારો લાવવાનો હતો. વડોદરા એરપોર્ટ અધિકારીઓએ વિવિધ એરલાઇન્સ, સુરક્ષા એજન્સીઓ અને સ્ટાફ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં યાત્રીઓને કેન્દ્રસ્થાને રાખીને ચર્ચા કરવામાં આવી.યાત્રી દિવસ દરમિયાન એરપોર્ટ ડિરેક્ટર સહિતના અધિકારીઓએ મુસાફરો સાથે સીધી વાતચીત કરી, તેમની ફરિયાદો, સૂચનો અને અનુભવ અંગે વિગતવાર માહિતી મેળવી.

ખાસ કરીને ચેક-ઇન કાઉન્ટર પરની સુવિધાઓ, સુરક્ષા ચેકમાં લાગતો સમય, બેગેજ હેન્ડલિંગ, ફૂડ કોર્ટની સુવિધાઓ અને પાર્કિંગ સિસ્ટમ અંગે ચર્ચા કરવામાં આવી. મુસાફરો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ગંભીરતાથી લઈ આગળની કામગીરીમાં અમલ કરાશે તેવી ખાતરી અધિકારીઓએ આપી.એરપોર્ટ પર આ અવસરે મુસાફરોને મીઠાઇઓ અને ફૂલો દ્વારા સ્વાગત કરાયું હતું. બાળકો અને વૃદ્ધ યાત્રીઓને વિશેષ સહાય ઉપલબ્ધ કરાવી હતી. એરલાઇન્સના પ્રતિનિધિઓએ પણ મુસાફરોને વધુ આરામદાયક મુસાફરી મળી રહે તે માટે સેવાઓમાં સતત સુધારાની વાત કરી.યાત્રી દિવસની ઉજવણી વડોદરા એરપોર્ટ માટે એક મહત્વપૂર્ણ પ્રયોગ સાબિત થયો છે, કારણ કે આ પહેલથી મુસાફરો અને એરપોર્ટ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો છે. એરપોર્ટ અધિકારીઓએ જાહેર કર્યું કે આ પ્રકારના કાર્યક્રમો નિયમિતપણે યોજાશે જેથી મુસાફરોની અપેક્ષા મુજબ આધુનિક અને સુવિધાસભર સેવા ઉપલબ્ધ થાય.


Reporter: admin







