રાયપુર : છત્તીસગઢ-ઓડિશા સરહદ પાસે અર્ધ સૈન્ય દળો અને પોલીસના જવાનોએ મળીને નક્સવાદ વિરોધી ઓપરેશન પાર પાડયું હતું, આ ઓપરેશન દરમિયાન ૧૪ નક્સલીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલીઓમાં એક નક્સલીઓના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે જેના પર એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. નક્સવાદ સામેનું આ સૌથી મોટુ ઓપરેશન માનવામાં આવે છે. જેને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ સામે આ મોટો ફટકો છે.
છત્તીસગઢના ગારિયાબન્ડ જિલ્લાના એસપી નિખિલ રાખેચાએ કહ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓમાં જયરામ ઉર્ફે ચલપટીનો પણ સમાવેશ થાય છે. તે સીપીઆઇ(માઓસ્ટ) સાથે જોડાયેલો હતો અને પ્રશાસન દ્વારા તેના પર એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે જે અન્ય નક્સલીઓ માર્યા ગયા છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે સોમવારે છત્તીસગઢ-ઓડિશા સરહદ પાસે કુલ ૧૪ નક્સલીઓ માર્યા ગયા હતા જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં આઇઇડી અને સેલ્ફ લોડિંગ રાઇફલ્સ સહિતના હથિયારોનો સમાવેશ થાય છે. સોમવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે સામસામે ભારે ગોળીબાર શરૂ થયો હતો, જે મંગળવારે સવાર સુધી ચાલ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી મૈનપુર પોલીસ સ્ટેશનની હદમાં પાર પાડવામાં આવી હતી. મંગળવારે સવાર બાદ પણ ગોળીબાર શરૂ હતો જેને પગલે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
આ સમગ્ર ઓપરેશનને છત્તીસગઢ પોલીસ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, રાજ્ય પોલીસના એસઓજી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. સુરક્ષાદળોની કાર્યવાહીના વખાણ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ સામે આ વધુ એક ફટકો છે.
Reporter: admin