વડોદરા : પ્રતિબંધિત વિદેશી સીગારેટના 12 પેકેટ લઇને મોપેડ પર જતા યુવાનને પાણીગેટ પોલીસે ઝડપી પાડયો છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, સફેદ કલરના મોપેડ પર ચેક્સ શર્ટ પહેરેલો વ્યક્તિ પ્રતિબંધિત સીગારેટનો જથ્થો લઇને કાલ દર્શન ચાર રસ્તાથી સુલેમાની ત્રણ રસ્તા તરફ આવવાનો છે. જેથી, પાણીગેટ પોલીસે સૂર્ય નગર ગરબા ગ્રાઉન્ડની સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શખ્સ સફેદ કલરના મોપેડ પર આવ્યો હતો.
પોલીસે તેને રોકીને પૂછતા તેણે પોતાનું નામ પૃથ્વીસિંહ રમેશભાઇ મેવલ (રહે. ઝંડા ચોક, કિશનવાડી) હોવાનું જણાવ્યું હતું. કોરિયાની કંપનીના પ્રતિબંધિત સીગારેટના 12 પેકેટ કિંમત રૂપિયા 22,500 ના મળી આવ્યા હતા. પોલીસે સીગારેટ, મોપેડ મળીને કુલ 72,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સીગારેટ ક્યાંથી લાવ્યો હતો ? કોને આપવા જતો હતો અને કેટલા સમયથી ધંધો કરે છે. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin