દેશની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે વર્ષ ૨૦૧૮ થી કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ.રીસર્ચ ફેલોશિપ યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજનાનો લાભ મળતા દેશની વિજ્ઞાન તથા ટેક્નિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધનમાં વિશ્વસનીયતા અને માન્યતાને માટે નોંધપાત્ર પ્રોત્સાહન મળી રહ્યું છે. આ હેઠળ ફેલોશિપ મેળવીને ગુજરાતના ૬૯ જેટલા સંશોધકોએ ગૃણવત્તાસભર સંશોધનો દેશને આપ્યા છે. વડોદરા સ્થિત એમ.એસ.યુનિવર્સીટી ઓફ બરોડામાં પી.એચ.ડી.માં નામાંકીત થયેલ ફેકલ્ટી ઓફ ફાર્મસી માંથી અમીબેન પટેલ અને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન અને સાયકોલોજી માંથી ડૉ. હેમેન્દ્ર મિસ્ત્રી આમ બે પ્રતિભાશાળી યુવાનોને ફેલોશિપ મળતા જય વિજ્ઞાન અને જય અનુસંધાનના સંકલ્પને ખરા અર્થમાં ચરીતાર્થ કરવા જઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો, પ્રધાનમંત્રી સંશોધન ફેલોશિપ યોજનાની નોડલ સંસ્થા આઈ.આઈ.ટી ગાંધીનગર ખાતે કુલ ૭૪ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. રાજયમાં હાલમાં ૬૯ સંશોધક રિસર્ચ ફેલોશિપનો લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના અન્વયે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પીએચ.ડી. કરતા વિધાર્થીઓ અસરકારક અને કાર્યક્ષમ રીતે સંશોધન કરી શકે તે માટે રૂ. ૧૦ લાખ જેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
વધુમાં ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IIT, IIM, IISc, IISERs જેવી અનેક સંસ્થાઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં ભારતમાં જયારે પીએમ ફેલોશિપ યોજનાની શરૂઆત થઈ હતી ત્યારે સંશોધકની સંખ્યા ૪૪ હતી. જે વધીને વર્ષ ૨૦૨૩માં ૧૯૭૨ સૌથી વધુ સંશોધકએ તેનો લાભ લીધો હતો.વર્ષ ૨૦૨૪ માં ૪૮૪ સંશોધક લાભ લઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતના અધ્યેતાઓમાં ફેલોશિપ મળતા સંશોધન પ્રત્યેનો વધી રહેલો ઉત્સાહ, નિષ્ઠા અને સમર્પણ સૂચવે છે. આ સાથે ફેલોશિપ મેળવતા સંશોધકોના શોધ નિબંધ, આર્ટિકલ અને આવિષ્કાર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જર્નલ અને પ્રકાશનોમાં બહોળી સંખ્યામાં સ્થાન મેળવતા થયા છે.આમ કેન્દ્ર સરકાર દ્વારા અમલી પીએમ રીસર્ચ ફેલોશિપ યોજના જેવી અનેક યોજનાઓ થકી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને સમસ્યાઓના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરીને અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રો માટે દેશના યુવાધનને પ્રોત્સાહિત કરી રહી છે. જે આજે હજારો યુવાનોના વૈજ્ઞાનિક અને ઉદ્યોગ સાહસિક બનવાના સપનાને પણ સાકાર કરી રહી છે.
Reporter: News Plus