પોતાને ક્લાસ ટુ અધિકારી દર્શાવતા એક શખ્સનો ઓડિયો વાયરલ, જેમા દેવેશ પટેલના કારનામાઓનો પર્દાફાશ કરાયો
ડૉ.દેવેશ પટેલે કાગળ પર જ આયુષ્યમાન કેન્દ્રો શરુ કરીને કેન્દ્ર સરકારની લાખોની ગ્રાન્ટની ખાયકી કરી હોવાનો સનસનીખેજ આરોપ.
વડોદરા ફાયર બ્રિગેડના 3.17 કરોડના સાધનોની ખરીદીમાં સંડોવાયેલા ફાયર વિભાગના એચઓડી ડો.દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે. ડો.દેવેશ પટેલ તો ફાયર વિભાગનો હવાલો સંભાળતા હતા પણ તેઓ મુળ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય. અધિકારી છે. ડો. દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવતા આરોગ્ય વિભાગના પ્રામાણીક કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમના કામો એવા હતા કે પહેલી નજરમાં જ ભ્રષ્ટાચાર આચરાયો હોવાની શંકા જતી હતી, સોશિયલ મીડિયામાં એક એવો ઓડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ દેવેશ પટેલના કારનામાને ઉજાગર કરી રહ્યા છે. આ વ્યક્તિ પોતાને ક્લાસ ટુ ઓફિસર ગણાવી રહ્યો છે પણ તે જે માહિતી આપી રહ્યો છે તે વિશે કમિશનરે ગંભીર બનીને ઉંડી તપાસ કરાવવી જોઇએ. વાયરલ ઓડિયોમાં આ વ્યકતિ માહિતી આપી રહ્યો છે કે કેન્દ્ર સરકારે વડોદરામાં 30 થી 40 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખોલવાની મંજૂરી આપેલી છે પણ માત્ર ચાર જ કેન્દ્રો ખોલ્યા છે અને બાકીના કાગળ પર જ છે અને તેની લાખોની ગ્રાન્ટની ખાયકી થઇ રહી છે. આ વ્યકતિ માહિતી આપતા જણાવી રહ્યો છે કે વડોદરામાં કોર્પોરેશન સંચાલિત હાલ 46 નાના મોટા આરોગ્ય કેન્દ્ર છે. કેન્દ્ર સરકાર તરફથી 30 થી 40 આયુષ્યમાન આરોગ્ય મંદિરની પરમિશન આપેલી છે પણ દેવેશ પટેલે આ કેન્દ્રો માત્રને માત્ર ઓનપેપર પર બતાવેલા છે. કેન્દ્ર સરકારની યોજના મુજબ પ્રોપર્ટી ભાડે લઇ ફર્નિચર અને સ્ટાફ તથા દવાનો ખર્ચો આપવામાં આવે છે. એક કેન્દ્ર પાછળ કેન્દ્ર સરકાર વર્ષે 20થી 30 લાખની ગ્રાન્ટ આપે છે પણ આવા વડોદરામાં ચાર કેન્દ્ર બન્યા છે. બિલ્ડીંગ તો છે જ નહી અને કેન્દ્રોને યુએચસીની બિલ્ડીંગમાં જ ખોલી નાખેલા છે. સ્ટાફ પણ મુક્યો નથી. ખરેખર તો કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ મકાન અલગથી ભાડે લઇ ફર્નિચર , દવાઓ અને સ્ટાફ મુકવો પડે. અમદાવાદમાં આવા 50 કેન્દ્રો છે અને રાજકોટમાં 40 કેન્દ્ર છે તો વડોદરામાં કેમ 4 કેન્દ્ર છે. એક કેન્દ્રમાં વર્ષે 10 લાખની ખાયકી કરી હોય તેવું જણાય છે. કોઇને અંદર જવા જ દેતા નથી. બીજા સવાલનો જવાબ જ આપતા નથી. અને તોછડાઇથી વાત કરે છે. સ્ટાફની ભરતીના ઇન્ટરવ્યુ પણ લીધા છે અને ડોક્ટરો આવવા રેડી છે પણ નિમણુક કરતા નથી. સરકાર ફુલ ખર્ચો કરે છે.મકાન તત્કાલિક ભાડા કરાર કરીને સ્ટાફ મુકીને કેન્દ્ર ચાલુ જ કરવાનું છે. લગભગ બે વર્ષથી આ સ્કીમ એક્ટીવ થઇ છે. રાજકોટમાં 30થી 40 કોન્દ્ર હોય તો વડોદરામાં કેમ 4 જ છે તે મોટો સવાલ છે. ઓનપેપર ભાડે લઇને ખર્ચો બચાવી દે છે. બરોડામાં 20થી 30 લઇને ભાડે લઇને ચલાવતા હોય તેવો દાવો કરાય છે. તેઓ ઓડિયોમાં આગળ કહે છે કે એ ક જ વિસ્તારમાં ત્રણ સેન્ટર કેન્દ્રો ખોલવાના સરકાર પૈસા આપે છે. ભાડું, ડોક્ટર, નર્સ, ફર્નિચર, કલર અને દવાના પૈસાની ગ્રાન્ટ આવે છે. આ માહિતી કોઇને ખબર જ નથી. આ કેન્દ્રથી ગરીબોને જ મોટો ફાયદો થશે. મલેરીયાની કામગીરી તો તે કરતા જ નથી. બપોર પછી તો કોઇ હોતું જ નથી. જો કેપ્ટન જ આવો હોય તો તેની ટીમ કેવી હોય? ફાયર વિભાગ તો પાર્ટ ટાઇમ કામ છે અને તેનું મેઇન કામ તો આરોગ્ય વિભાગમાં છે તો વિચારવું જોઇએ કે આરોગ્ય વિભાગમાં તેણે કેવું કામ કરેલું હશે. કોરોનામાં પણ તેમણે બહુ ગફલાબાજી કરી છે. ઓડિયોમાં આ વ્યક્તિ કહે છે કે હું ઘણા સમયથી આ માહિતી બહાર આવે તેની રાહ જોતો હતો કે સાચો સમય આવે અને આજે ભગવાને મને મોકો આપ્યો છે. આ પાવરફુલ લોકો છે. નાના મોટા માણસોની હાલત તે ખરાબ હાલત કરી નાખે છે. હું એકલો કેવી રીતે લડી શકુ જેથી હુ સાચા સમયની રાહ જોતો હતો. કમિશનર સારુ કામ કરે છે. તે ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે તે સારી બાબત છે. ઇમાનદારીથી લડીશું તો વડોદરાનો સુવર્ણ ભુતકાળ પાછો આવશે તેમ ઓડિયોમાં આ શખ્સ કહી રહ્યો છે.
ઓનપેપર 20 થી 30 બતાવાયા છે પણ વાસ્તવમાં 4 કેન્દ્ર
આ વ્યક્તિ વાયરલ ઓડિયોમાં દાવો કરી રહ્યો છે કે દેવેશ પટેલે વડોદરામાં 20 થી 30 આયુષ્યમાન કેન્દ્રો ઓનપેપર એટલે કે કાગળ જ પર જ ખોલેલા છે અને શહેરમાં વાસ્તવમાં 4 જ આવા કેન્દ્રો છે. કમિશનરે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. ખાનગી હોસ્પિટલોને ફાયદો કરાવવા માટે દેવેશ પટેલે સરકારની મહત્વકાંક્ષી યોજાનાના આયુષ્યમાન કેન્દ્રોને શહેરના તમામ વિસ્તારોમાં શુ કર્યા જ નથી અને વર્ષે આ આકેન્દ્ર માટે આવતી લાખોની ગ્રાન્ટની ખાયકી થઇ રહી છે.
આરોગ્ય કેન્દ્રો ખોલ્યા જ નથી અને વર્ષે લાખોની ગ્રાન્ટ ચાઉં
વાયરલ ઓડિયોમાં આ વ્યક્તિ દેવેશ પટેલના કારનામાને નજીકથી જાણતો હોય તેમ લાગી રહ્યું છે. તે એમ પણ કહી રહ્યો છે કે કેન્દ્રની યોજના તો એવી છે કે તમે મકાન ફાઇનલ કરો એટલે તત્કાળ ભાડા કરી ડોક્ટરો, નર્સ અને દવાનો ફાઇનલ કરવાની હોય છે અને તમામની ભરતી કરી દેવાની હોય છે અને સરકાર પૈસા પણ ચુકવે છે. પણ પોતાનું પેટ ભરવા માટે દેવેશ પટેલે આવા ગરીબલક્ષી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો ખોલ્યા જ નથી અને વર્ષે લાખોની ગ્રાન્ટ ચાંઉ થઇ જાય છે.
કમિશનરે હવે ઓપરેશન ગંગાજળને સક્રિય રીતે ચાલુ રાખવુ પડશે
કમિશનર અરુણ મહેશ બાબુએ જે રીતે કોઇ પણ દબાણ કે શેહશરમમાં આવ્યા વગર દેવેશ પટેલ, મનોજ પાટીલ અને નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય તપાસના આદેશો આપ્યા છે તે જોતાં તેમણે આ વાયરલ ઓડિયો સાંભળીને ડે.કમિશનર ગંગાસિંઘ જેવા પ્રમાણિક અધિકારીને તપાસ સોંપીને દેવેશ પટેલે આયુષ્યમાન કેન્દ્રોમાં પણ મોટુ કૌભાંડ આચર્યું હોવા અંગે ઉંડી તપાસ કરાવવી પડશે. તેમણે ઓપરેશન ગંગાજળ ચાલુ જ કર્યું છે તો હવે તેને તેના અંજામ સુધી પહોંચાડવું પડે તેવી હાલત વડોદરા કોર્પોરેશનની છે અને તેથી આ કાર્યવાહી હવે ચાલુ જ રાખવી પડશે. આ જ રીતે જમીન મિલકત શાખા, ટાઉન પ્લાનિંગ શાખા સહિતની જે પણ મલાઇદાર વિભાગો છે તેમાં પણ તેમણે તપાસ કરવી પડશે.
વાયરલ ઓડિયામાં કરાયેલો દાવો ખોટો છે.
કેન્દ્રની યોજના મુજબ વડોદરામાં 80 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો ચાલે છે અને અને 70 થી 80નો તેમા સ્ટાફ છે. આ યોજના મુજબ માત્ર ઓપીડી ચલાવાની નથી પણ તેની સાથે સાથે અન્ય રોગોની પણ સારવાર કરવાની હોય છે જેથી સ્ટાફ શિફ્ટ થતો રહેતો હોય છે. કેટલીક જગ્યાએ ફુલ ઓપીડી પણ ચાલે છે પણ આ પ્રકારના દાવાઓ ખોટા છે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ જ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો વડોદરામાં યોગ્ય રીતે ચાલી રહ્યા છે
ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી (હાલ સસ્પેન્ડ)
Reporter: admin







