News Portal...

Breaking News :

પાર્કિંગ માટે અનાથ આશ્રમો ના ખોલવા જોઈએ કારણ કે ઇમારત બનાવનારા પાર્કિગની વ્યવસ્થા કરવાનું ભૂલી જાય છે...

2024-05-27 10:09:59
 પાર્કિંગ માટે અનાથ આશ્રમો ના ખોલવા જોઈએ કારણ કે ઇમારત બનાવનારા પાર્કિગની વ્યવસ્થા કરવાનું ભૂલી જાય છે...



શહેરી વિકાસનો અગત્યનો ભાગ મકાનો અને ઇમારતો નું નિર્માણ છે.લોકોને રહેવા માટે ઘરો જરૂરી છે.જમીન ઓછી છે,માંગ વધારે છે.કચેરીઓ,વ્યવસાયિકો માટે પણ મકાનો જરૂરી છે.જમીનની અછત છે એટલે હવે બહુમાળી મકાનો બને છે.વ્યક્તિગત માલિકીનું ઘર હોય કે એપાર્ટમેન્ટ અગ્નિ શમન સુરક્ષા અને વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા જરૂરી છે.gdcr માં તેના માટે નિયમો છે,જોગવાઈઓ છે.પણ આ બધું પોથી માંહેના રીંગણા જેવું છે.સૌથી વધુ નિયમોની અવગણના ફાયર અને પાર્કિંગ ની વ્યવસ્થા માં થાય છે.ખૂબ સાંઠગાંઠ ચાલે છે.એટલે તમારે જે કરવું હોય તે કરો અમે આંખ બંધ રાખીશું.



તેના પગલે ગુજરાતમાં અને દેશમાં દુર્ઘટનાઓ ની હારમાળા સર્જાઈ છે.મોરબી પુલ હોનારત,સુરતનો તક્ષશિલા અગ્નિ કાંડ,અમદાવાદ હોસ્પિટલ અગ્નિ કાંડ,વડોદરામાં હરણી હોડી હોનારત અને હવે રાજકોટનું ગેમ ઝોન કાંડ..આ બધા નિયમોની અવગણના ના એકજ માળાના મણકા છે.આ મણકા વધવાના જ છે.કારણ કે ચાર દિવસની ચાંદની પછી ઘોર અંધારી રાત.અત્યારે ચારેકોર જાગૃતિ છે,તપાસનો ધમધમાટ છે,બે ચાર જણાના કાંઠલા ઝાલવામાં આવશે,કેટલાક થોડો સમયમાં જેલમાં સબડશે,સરકારી તિજોરીમાં થી નાણાકીય રાહત ચોપડીને સ્વજનો ગુમાવનારા પરિવારોને રાહત ની અનુભૂતિ કરાવવાના પ્રયાસો થશે.આ બધી કસરતમાં ચોકકસ થાક લાગશે.એટલે તંત્ર ફરીથી ઘોર નિંદ્રામાં લીન થઈ જશે.ક્યારેક કોઈ ઊંઘમાં થી જાગીને થોડુંક ઉપર નીચે કરશે તો એને લોભ લાલચની ગોળી ખવડાવીને ફરીથી ઊંઘાડી દેવાશે.સરકારી વિભાગોમાં પણ એવું જ છે.સરકારી ઈમારતો બને ત્યારે પૂરતી પાર્કિંગ વ્યવસ્થાનો વિચાર કરવામાં જ આવતો નથી.સરકારી કચેરી નવી બને ત્યારે તો ચકચકતા ફાયર એક્સ્ટિંગવિશર દરેક લોબીમાં લગાવવામાં આવે છે.જો કે સંકટ સમયે તેના ઉપયોગની તાલીમ ભાગ્યેજ અપાય છે.કોઈને તેનો ઉપયોગ કરવાનું લગભગ આવડતું નથી.વર્ષો વીતતાં જાય છે,ઉપયોગની મુદત પૂરી થઈ જાય છે,અગ્નિ શમન માટેના બોટલો ને કાટ લાગી જાય છે.અને પછી એક દિવસ આગ લાગે ત્યારે રાચરચીલા સાથે આ બોટલો પણ બળીને ઠીકરું થઈ જાય છે.આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ આપણી સરકારી અને સામાજિક આદત છે જે છૂટતી જ નથી.હોસ્પિટલ હોય,સરકારી કચેરી હોય કે ખાનગી એપાર્ટમેન્ટ,પાર્કિંગ ની પૂરતી સુવિધાઓના અભાવે વાહનો અનાથ જેવા લાગે છે.કદાચ હવે પાર્કિંગ અનાથ આશ્રમો શરૂ કરવાનો સમય પાકી ગયો છે જ્યાં આ વાહનો પાર્ક થઈ શકે.


ટુંકમાં આ બધી બાબતોમાં આભ ફાટ્યું છે,થીંગડું કેવી રીતે દેવું,કોણ દેશે એ યક્ષ પ્રશ્ન છે જેનો જવાબ મળતો નથી પાર્કિંગ ની પૂરતી વ્યવસ્થા રાખવી એ આયોજક ની ફરજ છે.પરંતુ નામ માત્રની વ્યવસ્થા કરીને બધું રામ ભરોસે છોડી દેવાય આવાસ નિર્માણના પ્રત્યેક આયોજનની સાથે સંભવિત વાહન સંખ્યાના ચોક્કસ અંદાજને આધારે પાર્કિંગ ની પૂરતી વ્યવસ્થા રાખવી એ આયોજક ની ફરજ છે.પરંતુ નામ માત્રની વ્યવસ્થા કરીને બધું રામ ભરોસે છોડી દેવાય છે.જાહેર રસ્તા નો અર્ધો ભાગ પાર્કિંગ માટે વાપરવો એ જન્મજાત અધિકાર છે. મોટી મોટી હૉસ્પિટલ ની ઇમારતો બાંધવામાં આવે છે. બેઝમેન્ટમાં પાર્કિંગ ની જગ્યા રાખવામાં આવે છે.જો કે એ જગ્યા એક તો પાર્કિંગ માટે પૂરતી નથી હોતી.બીજું એની કોઈ જાળવણી કરવામાં આવતી નથી.વાહન એમાં મૂકવા અને બહાર લાવવાની સરળતા હોતી નથી.એટલે જાહેર રસ્તા,ગલીઓ ,જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ નો જમાવડો કરવામાં આવે છે.કોઈને કશું દેખાતું જ નથી.રાજકોટના ગેમ ઝોનમાં એવું જ થયું ને.બે વર્ષથી જીવતા બોમ્બ જેવી હાલતમાં આ ઈમારતમાં ગેમ ઝોન ધમધમતું રહ્યું.તંત્રમાં કોઈની આંખમાં કશું ખુંચ્યું જ નહિ.હવે ૨૮ મર્યા એટલે થોડોક સમય કચરું પડ્યું હોય એમ આંખો ચોળશે.પછી પાછું બધું ઠેર નું ઠેર.હોસ્પિટલો દ્વારા નીતિ નિયમોનું છડેચોક ઉલ્લંઘન શહેરમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોના નામે ધીકતો ધંધો ચલાવી દર્દીઓને સાજા કરવા નહિ પરંતુ પોતાની તિજોરીઓ ભરવામાં જેઓને રસ છે તેવી અનેકવિષ હોસ્પિટલો દ્વારા નીતિ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પાલિકા દ્વારા 200 કરતા વધુ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા અધિકારીઓ અને વચેટિયાઓની મદદથી સબ ચાલતા હે જેવું ચલાવવામાં આવે છે. અને કેટલીક હોસ્પિટલો દ્વારા તો પાર્કિંગની જગ્યા ઉપર કેન્ટીન, રિસેપશન, દર્દીઓના સગાવ્હાલાઓ માટે વેઇટિંગ એરિયા બનાવી દેવામાં આવ્યો છે. અને નકશા ઉપર પાર્કિંગ બતાવવામાં આવ્યું છે.આ તમામ બાબતો પાલિકાના ધ્યાન ઉપર છે.પરંતુ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે એક તપાસનો વિષય બન્યો છે. હોસ્પિટલો પણ રજા ચિઠ્ઠી, પ્લીન્થ સર્ટિફિકેટ, કમ્પલેશન સર્ટિફિકેટ રજુ કરવામાં અસક્ષમ લાગી રહ્યા છે. ત્યારે આવી હોસ્પિટલો સામે કાર્યવાહી ક્યારે થશે તે ચર્ચાનો વિષય બન્યો છે.આવી હોસ્પિટલો સામે પાલિકા દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હું પાલિકા તંત્ર આવી કોઈ ઘટનાનો રાહ જોઈ રહી છે.

Reporter: News Plus

Related Post