ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સિવિયર હીટવેવની આગાહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા રાજ્ય પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે તાપમાનમાં વધારો જોવા મળશે. જેના લીધે રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જેના પગલે લોકોને કામકાજ વગર બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી છે.
જ્યારે શુક્રવારના રાજ્યભરમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન અમદાવાદ અને ડીસાનું 43.5 ડિગ્રી રહ્યુ હતું. અમદાવાદમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદના વલ્લભ વિદ્યાનગરમાં 42.5, વડોદરામાં 42.2, ભુજમાં 42.9, કંડલા ઍરપોર્ટ પર 42.5 રાજકોટમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે રાજ્યના મોટાભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચી જવાની શકયતા છે સાથે બપોરે ગરમ અને સૂકા પવન ફૂંકાશે.
હેલ્થ સેન્ટર્સ હિટ સંબંધિત ઈમરજન્સીને પહોંચી વળવા સુસજ્જ જ્યારે વધતી ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીના કારણે થનારી બીમારીથી માટે AMC દ્વારા ચાલતી હોસ્પિટલોમાં દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે, ORSના પેકેટ પણ વધારે જથ્થામાં રખાયા છે. દરેક અર્બન સેન્ટર્સ અને કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર્સ હિટ સંબંધિત ઈમરજન્સીને પહોંચી વળવા સુસજ્જ છે.
Reporter: News Plus