વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે.
જેમાં પવિત્ર બારસની સલુણી સાંજે યમુનાષ્ટકની દ્વિતીય સિદ્ધિ વિશે પૂજ્યએ ભાવિકજનોને રસમય રીતે સમજાવ્યું હતું. માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ ષોડષ ગ્રંથ શ્રીવલ્લભ ગીતાના પ્રથમ ગ્રંથ યમુનાષ્ટકને ટાંકીને ભગવત લીલાની અવલોકનની બીજી સિદ્ધિ વિશે મહત્વનું ચિંતન રજૂ કર્યું હતું. પવિત્ર એકાદશીના દિને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું. ભગવાન શ્રીનાથજી, મહારાણી યમુનાજી અને મહાપ્રભુજી એમ ત્રણ સ્વરૂપથી જીવ પર પ્રભુ પુષ્ટિ કરે છે. પ્રિય પ્રભુ ભકતના મનને સંતૃપ્ત કરવા માટે લીલા કરે છે તેમ છતાં બધા જીવને પ્રભુની લીલાના દર્શન થતા નથી. અનુભૂતિ થતી નથી ત્યારે તેવી અનુભૂતિ પ્રાપ્ત કરવામાં યમુનાજીની કૃપા મહત્વનો ભાગ ભજવે છે. પૂજ્યએ સુંદર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું હતું કે માણસ જેવું વાવે તેવું લણે છે અર્થાત જેવું વિચારે તેવું જ તે પ્રાપ્ત કરે છે. કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને તમાચો મારવાનું વિચારે, પછી એ વિચાર સતત ઘુમરાતો રહે, બાદ જીભ દ્વારા વિચાર વ્યક્ત થતો રહે. એ પછી તેનો અમલ થાય.
અહીં વિચાર પરપોટો મહત્વનું કામ કરે છે. તેથી જ પોઝિટિવિટી અથવા પોઝિટિવ વિચારવું એ ખૂબ જ જરૂરી છે. જે ભક્ત તેના વિચારમાં ભગવત નામનું સ્મરણ કરતો જાય તે ધીમે ધીમે પ્રભુમય બનતો જ જાય એમાં બે મત નથી. કદાચ કોઈ માનવીના મનમાં નકારાત્મક વિચાર જન્મ લે, ત્યારે ઠાકોરજીના ચરણમાં શીશ નમાવી પ્રાર્થના કરવી તેથી નકારાત્મકતા દૂર થશે જ કથા, સત્સંગ અને વાર્તા કથનનું મહત્વ એટલા જ માટે છે કે ભક્તજનના મનમાં હકારાત્મક વિચાર સતત પ્રવર્તમાન રહે. કથાનું કથન સાંભળનાર ભાવિક ધીમે ધીમે ભગવાનનું ચિત્ર મનમાં જોતો થઈ જ જાય છે. મનની સામગ્રી માટે અલગ અલગ મનોરથ, હિંડોળા, શણગારનું પુષ્ટિ માર્ગમાં અનેરૂ મહત્વ છે. અન્ય એક દ્રષ્ટાંત થકી પૂજ્યએ યમુનાજીની સામર્થ્યતા સમજાવી હતી. એક વૈષ્ણવ વેપારીનો વેપાર મહાપ્રભુજીના આશીર્વાદથી સારી રીતે ચાલવા લાગ્યો હતો તેથી તેમણે ગુરુ અને ગોવિંદ બંનેની અલગ ભેટ રાખવી શરૂ કરી હતી. બાદ તે દ્રવ્ય ભેટ મહાપ્રભુજીને ધરવા જતા તેમણે સ્વીકારી ન હતી. બીજી વખત વૈષ્ણવજન મિસરી લઈને મહાપ્રભુજી પાસે પહોંચે છે ત્યારે પ્રભુ એ મિસરી યમુનાજીમાં પધરાવવાનું કહી દે છે. તેથી વૈષ્ણવ કચવાટ અનુભવે છે. ત્યારે મહાપ્રભુજી યમુનાજીને તેની ભૌતિક દ્રષ્ટિ દૂર કરવા માટે પ્રાર્થે છે. યમુનાજી વૈષ્ણવજનને અલૌકિક દ્રષ્ટિ પ્રદાન કરે છે. જેમાં મિસરી યમુનાજીમાં વિદ્યમાંન ઠાકોરજીના અલગ અલગ સ્વરૂપો આરોગતા જોઈને પોતે ધન્ય થઈ ગયાનું અનુભવે છે. તેથી યમુના મહારાણીની કૃપા થકી ભગવત અવલોકનની સિદ્ધિ પ્રદાન થાય છે.પવિત્રા બારસ જેને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ગુરુ પર્વ તરીકે ઉજવાય છે જેમાં વૈષ્ણવો પોતાના દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુને પવિત્રા ધરાવીને પોતાનો ગુરુભાવ વ્યક્ત કરતાં હોય છે.ત્યારે આજરોજ પવિત્રા બારસની અલૌકિક ઉજવણીમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભાવિક્જનોએ પૂજ્ય મહારાજને પવિત્રા ધરાવ્યા હતા. સવારથી જ સમગ્ર શહેરભર તથા સમગ્ર ગુજરાત અને ભારતમાંથી વૈષણવો ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પૂજ્ય વ્રજરાજકુમારજી દ્વારા હરિનામ સંકીર્તન થકી દેશ વિદેશના હજારો ભાવિકજનો પ્રભુ સ્મરણનો અતિદીવ્ય અવસર સોશ્યિલ મીડિયા લાઇવથી માણી રહ્યાં છે. ત્યારે કાલે શ્રાવણ સુદ તેરસથી દર રવિવારે સવારે 10 થી 11:30 દરમ્યાન પૂજ્ય વ્રજરાજકુમારજી દ્વારા રવિવાર સત્સંગનો પ્રારંભ થઇ રહ્યો છે. રવિવાર સત્સંગના માધ્ય્મથી પૂજ્યના પ્રેરક મંગળ વચનામૃત, હરિનામ સંકીર્તન તથા કૃષ્ણ સ્વરૂપ ધ્યાન (મેડિટેશન)નું આયોજન સાકાર થશે. કાલથી દર રવિવારે પૂજ્ય દ્વારા વિશ્વના હજારો ભાવિકજનો પણ સોશ્યિલ મીડિયા લાઈવના માધ્યમથી લાભાન્વિત બનશે
Reporter: