News Portal...

Breaking News :

છઠ્ઠીએ કૉંગ્રેસના ગુજરાતભરના કાર્યકરો અમદાવાદમાં જેલભરો આંદોલન કરાશે : શક્તિસિંહ

2024-07-04 16:21:41
છઠ્ઠીએ કૉંગ્રેસના ગુજરાતભરના કાર્યકરો અમદાવાદમાં જેલભરો આંદોલન કરાશે : શક્તિસિંહ


અમદાવાદઃ સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુ વિવાદ બાદ ગુજરાતમાં બજરંગ દળ ને ભાજપના કથિત કાર્યકરો દ્વારા અમદાવાદ કૉંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા અને પોલીસની કથિત નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જો અમારી ફરિયાદ પોલીસ નોંધશે નહીં અને તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો છઠ્ઠી જુલાઈએ કૉંગ્રેસના ગુજરાતભરના કાર્યકરો અમદાવાદ આવશે ને જેલભરો આંદોલન કરવામાં આવશે.


ગોહિલે એમ પણ કહ્યું કે અમે અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રામાં કોઈ ખલેલ પહોંચાડવા માગતા નથી અને જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે એટલે આ આંદોલન રવિવારે ન કરતા શનિવારે કરીએ છીએ.તેમણે પોલીસ અને ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારી ઓફિસ પર પથ્થરમારો થવાનો છે તે જાણ હોવા છતાં પોલીસે તેમને પકડ્યા નહીં અને ઉલટાં અમારા કાર્યાલયમાં કોઈપણ જાતના વૉરંટ વિના ઘુસી જઈ અમારા વરિષ્ઠ નેતા સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે.


તેમણે એમ પણ જણાવ્યું હતું કે વરિષ્ઠ નેતા શૈલેષ પરમાર દલિત નેતા હોવાથી તેમને વધારે પરેશાન કરવામાં આવ્યા છે, જે ભાજપની જાતિવાદી માનસિકતા બતાવે છે.ગોહિલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદમાં સાચા હિન્દુની વાત કહી જે ભાજપને ન ગમી અને તેના કારણે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢી ભાજપ વિવાદ ઊભો કરવાની કોશિશ કરી રહી છે.

Reporter: News Plus

Related Post