મુંબઈ : હાલમાં જ અનેક લોકો પાસેથી એવી ફરિયાદ આવી રહી હતી કે દુકાનદાર, ઓટો ડ્રાઈવર અને ફેરિયાઓ પાંચ રૂપિયાનો જૂનો જાડો સિક્કો લેવાની ના પાડી રહ્યા હતા. જેને કારણે નાગરિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પાંચ રૂપિયાનો જૂનો સિક્કો ચલણમાંથી બહાર થઈ ગયો છે.
આ સ્થિતિ જોઈને આરબીઆઈએ આખરે સ્પષ્ટતા કરવી પડી હતી.આરબીઆઈ તમામ બેંકો અને ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન્સને આદેશ આપ્યો છે કે તેઓ પાંચ રૂપિયાનો જૂનો સિક્કો લેવાનો ઈનકાર ના કરી શકે. આ સાથે જ જનતાને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ આ સિક્કાને લઈને કોઈ અફવાઓ કે દાવાઓને વિશ્વાસ ના કરે. આ એક લીગલ ટેન્ડર છે અને કોઈ પણ સિક્કાને અમાન્ય નથી જાહેર કરવામાં આવ્યા.
આરબીઆઈ દ્વારા પોતાની ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે પાંચ રૂપિયાના તમામ ડિઝાઈનના સિક્કા માન્ય અને ચલણમાં છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ સિક્કા લેવાનો ઈનકાર કરી શકે નહીં. જો કોઈ આવું કરે છે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. આરબીઆઈ દ્વારા એ બાબતની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે બજારમાં રહેલાં પાંચ રૂપિયાના તમામ સિક્કાઓ ચલણમાં છે પછી એમનો આકાર અને ડિઝાઈન કે ગમે તે વર્ષમાં આ સિક્કા બનાવવામાં આવ્યા હોય.
Reporter: admin