ભાયલીનાં નવા વિકસતા વિસ્તારમાં કોર્પોરેશન પાકો રસ્તો આપવામાં પણ નિષ્ફળ..
ભાયલી વિસ્તાર હજુ 20 વર્ષ સુધી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેશે..
મ્યુ.કમિશનર, ડેપ્યુટી કમિશનર મેયર, ડેપ્યુટી મેયર,ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો, શહેર પ્રમુખ તમામને ભાયલીનાં સોસાયટી વિસ્તારમાં પધરામણી કરવા હાર્દિક આમંત્રણ છે. જેથી આ વિસ્તારમાં પડતી તકલીફોનો તમને પણ અંદાજ આવે...

ભાયલીમાં એક કરોડ થી પાંચ કરોડ સુધીના બંગલા મકાન ખરીદે છે ત્યાં પાલિકા જાહેર રસ્તો આપી શકતી નથી..
વડોદરાના ભાયલી જેવા નવા વિકસતા એરિયામાં,જ્યાં એક કરોડ થી પાંચ કરોડ સુધીના બંગલા, નવરચના યુનિવર્સિટી રોડ-પાર્ટી પ્લોટ છે ત્યાં પાલિકા જાહેર રસ્તો આપી શકતી નથી. ડ્રેનેજ આપી શકતી નથી. પાણીની વ્યવસ્થા કરી નથી.એકાદ ઈંચ વરસાદ પડતાની સાથે જ મેઇન રોડથી સોસાયટી સુધીના જાહેર રસ્તા ઉપર એક એક ફૂટનો કિચડ થઈ જાય છે. ફોર વ્હીલર પણ લઈને નીકળી શકાતું નથી. સ્કૂટર મોટરસાયકલ લઈને જવાનું તો શક્ય જ નથી. લોકો નોકરી ધંધા ઉપર બહાર જઈ શકતા નથી. બાળકો સ્કૂલ જઈ શકતા નથી. બહારથી કોઈ આવી શકતું નથી. દૂધવાળા- છાપા વાળા-કામવાળા વિ. અન્ય સેવાઓ માટે અંદર કોઈ આવી શકતા નથી. જાહેર રસ્તાની માંગણી મ્યુ કમિશનર, ડે.કમિશનર, કાર્યપાલક ઈજનેર(રોડ શાખા),વોર્ડ ઓફિસર લેવલે કરવા છતાં પણ છેલ્લા બે વર્ષથી કોઈ અધિકારી એમની કામગીરી પૂરી કરતા નથી. આ કારણસર આજુબાજુની સોસાયટીઓનાં તમામ રહીશો ખૂબ ભડક્યા છે.સંબંધિત વિભાગોને ફરી રિમાઇન્ડર આપ્યા છે. ભેંસ આગળ ભાગવત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવા રસ્તાની બજેટની ફાળવણી જ્યારે થાય ત્યારે પરંતુ હાલમાં હંગામી ધોરણે છારું નાખીને, કપચી નાખીને કાચો રસ્તો બનાવી શકાય. જેથી લોકોની અવર-જવર સરળ પડે.લાખો અને કરોડો રુપિયા ખર્ચીને જ્યારે લોકો પોતાનું મકાન ખરીદતા હોય ત્યારે કોર્પોરેશન તેમને પ્રાથમિક સુવિધા પણ ના આપી શકે તો તેવા તંત્રને શરમ આવવી જોઇએ.

લોકો વેરો ભરે છે પણ કોર્પોરેશન પ્રાથમિક સુવિધા પણ આપતું નથી...
ભાયલી વિસ્તારમાં મકાનો ખરીદનારા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. આ તો હજુ ચોમાસાની શરુઆત છે. અને સામાન્ય વરસાદ જ પડ્યો છે પણ છતાં કાચો રસ્તો એટલી હદે ખરાબ થઇ ગયો છે કે અવર જવર બંધ થઇ ગઇ છે અને રહિશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકો કહે છે કે અમે તો વેરો ભરીએ છીએ છતાં કોર્પોરેશન પ્રાથમિક સુવિધા પણ આપી શકતું નથી. આ વિસ્તારની અનેક સોસાયટીઓ વરસાદી પાણીનો પણ નિકાલ થતો નથી જેથી રહિશોને પાણી-કીચડમાંથી પસાર થવું પડે છે. કોર્પોરેશનની આવી બેદરકારી જો ચાલતી રહેશે તો હવે આ વિસ્તારમાં મકાન ખરીદવા કોઇ તૈયાર નહીં થાય તે ચોક્કસ છે. અહીં મકાન લેનારા લોકો હવે ફસાઇ ગયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર- પ્રાથમિક સુવિધાઓ આપવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ છે. કરોડો રૂપિયાનું ફંડ આવતું રહે છે છતાં તેનો સીધો લાભ લોકો સુધી પહોંચતો નથી.
Reporter: admin







