100, 200 અને 500ની બેંક નોટો ઉચ્ચ ચલણમાં રહીછે.
મુંબઈ : માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં 500 રૂપિયાની નોટોના ચલણમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2024 દરમિયાન નોટોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 7.8%નો વધારો થયો છે.કુલ 14,687.5 કરોડ નોટો થઈ છે.
ચલણમાં રહેલી નોટોમાં રૂપિયા 500ની નોટોની સંખ્યા સૌથી વધુ હતી જે નાણાકીય વર્ષ 2024 સુધીમાં વાર્ષિક ધોરણે 16.5% વધીને 6,017.7 કરોડ નોટ પર પહોંચી ગઈ હતી. એકંદરે ચલણમાં રૂપિયા 500ની નોટોની સંખ્યામાં નાણાકીય વર્ષ 24 માં 85,432 લાખનો વધારો થયો છે જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં 5,163.3 કરોડ નોટો ચલણમાં હતી. મૂલ્યની દ્રષ્ટિએ ચલણમાં રૂપિયા 500ની નોટોનો હિસ્સો વધ્યો અને ચલણમાં રહેલી કુલ રૂપિયા 34.77 લાખ કરોડની બેન્ક નોટોમાંથી તે સૌથી વધુ 86.5% રહી છે. ચલણમાં રૂપિયા 2,000ની નોટોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
આરબીઆઈએ મે 2023માં ચલણમાંથી 2,000ની નોટ તબક્કાવાર દૂર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે આ નોટોની કિંમત 3.56 લાખ કરોડ રૂપિયા હતી અને સેન્ટ્રલ બેંકે તેને અન્ય નોટો સાથે બદલી આપવા અથવા બેંક ખાતામાં જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો. આરબીઆઈએ કહ્યું કે માર્ચ 2024 સુધીમાં 97.7% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ હતી.
એપ્રિલ 2022 અને માર્ચ 2024 ની વચ્ચે મોટા ભાગની અલગ-અલગ મૂલ્યની નોટોના ચલણમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 100, 200 અને 500ની બેંક નોટો ઉચ્ચ ચલણમાં રહી હતી. આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ ચલણમાં 100ની નોટોની સંખ્યા નાણાકીય વર્ષ 2022-23માં 1,805.84 કરોડથી વધીને આગામી નાણાકીય વર્ષમાં 2,056.5 કરોડ થઈ ગઈ છે. આ સામે વર્ષ 2022-23માં 200ની નોટોનો જથ્થો વાર્ષિક ધોરણે 23.1% વધીને 771.08 કરોડ થયો છે.
જો કોઈની પાસે રૂપિયા 2,000ની નોટો છે તો તેઓ તેને દેશભરમાં આરબીઆઈની ઓફિસોમાં સરળતાથી જમા અથવા બદલી શકે છે.
Reporter: News Plus