News Portal...

Breaking News :

36 પુલને મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના

2025-07-16 18:13:28
36 પુલને મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના


અમદાવાદ : ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલના મરામત- સમારકામની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 


રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જ્યારે 5 પુલને સંપૂર્ણપણે બંધ કરાયા છે અને 4 પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 


સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં 17.92 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે 69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા આશરે 2,110 જેટલા પુલ કાર્યરત છે. આ પુલની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલનું વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post