શું પેવરબ્લોકના લાભાર્થીને સંગઠનમાં સ્થાન મળશે?.
જીલ્લા ભાજપ અધ્યક્ષની ફેકટરીના જમીન માલિકને પણ મહામંત્રી રેસમાં ઉતાર્યા!..
- જીલ્લા ભાજપ અધ્યક્ષની પેવરબ્લોકનો વ્યવસાય વધારવાની ગોઠવણો ખુલ્લી પડી ગયા બાદ હોદ્દાઓની ગોઠવણમાં પણ પેવરબ્લોક કેન્દ્ર સ્થાને

- ભવાની પેવર્સ ફેકટરી જે જમીનમાં કાર્યરત છે તે જમીન માલિકને જીલ્લા સંગઠનની રેસમાં ઉતાર્યા!
ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી લેવા માટેના એક માપદંડ હતા જેમાં કર્તવ્યનિષ્ઠા,પક્ષ પ્રત્યેની વફાદારી અને વિચારધારાને સમર્પિતતા તેના મુખ્ય માપદંડ હતા. હવે વડોદરા જીલ્લામાં પક્ષની જવાબદારી લેવાના માપદંડ બદલાઈ ગયા હોય તેમ લાગે છે. હવે વડોદરા જીલ્લામાં સેવા, મેવા,વ્યવહાર, વ્યવસ્થા અને સોદાબાજીમાં જે ગોઠવાઈ શકે તે હોદ્દાઓનો હક્કદાર બને છે. હજી તો ગત રોજ જીલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા લખવામાં આવેલ સૂચનોની મંજૂરી મેળવીને અધ્યક્ષના માનીતા ઇજારદારને કામ સોંપ્યા બાદ પેવરબ્લોકના કામમાં જીલ્લા ભાજપ અઘ્યક્ષની ફેકટરીમાંથી જ પેવરબ્લોક સપ્લાય થયાની ગોઠવણ સામે આવી ગઈ હતી. સંગઠનના આદર્શ અને માપદંડના લીરેલીરા ઉડી ગયા હતા. સત્તા મળ્યાં બાદ થઈ રહેલી સોદેબાજીમાં આજે એક નવું પ્રકરણ જોડાયું છે. રસિકભાઈ પ્રજાપતિના પુત્ર ભાવેશ પ્રજાપતિના નામે ચાલતી ભવાની પેવર્સ ફેકટરી સોખડામાં સ્થિત છે. જેનો પ્લોટ નંબર 779 છે. આ જમીન વડોદરા જીલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદાર અને હાલ વડોદરા શહેર કિસાન મોરચાના હોદ્દેદાર રાજેન્દ્ર પટેલ (રાજુ સોખડા)ની માલિકીની છે. આ જમીન પર ભવાની પેવર્સની ફેકટરી ભાડા પટ્ટે ચાલે છે. જામીન માલિક રાજેન્દ્ર પટેલ ભાજપના જુના કાર્યકર છે અને વડોદરા શહેરમાં હાલ હોદ્દો ધરાવતા હોવા છતાંય જમીન માલિક અને ભાડુઆતના સંબંધો સાચવવા રાજેન્દ્ર પટેલનું નામ જીલ્લા સંગઠનના ભવિષ્યના હોદ્દેદારોની યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. રસિકભાઈ પ્રજાપતિના પુત્રની ફેકટરી જે જમીન પર છે તે જમીન માલિક પહેલાથી જ શહેરમાં હોદ્દેદાર હોવા છતાંય તેઓનું નામ જીલ્લાના હોદ્દા માટે કોણે મૂક્યું? તે ચર્ચા હાલ જીલ્લા ભાજપમાં ચાલી રહી છે. શું રસિકભાઈની ફેકટરી તેઓની જમીન પર ચાલતી હોવાને કારણે નિયમો વિરુદ્ધ શહેરના હોદ્દેદારને જીલ્લામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે? મહત્વની વાત એ છે કે શોર્ટ લિસ્ટ થયેલા નામો પ્રદેશમાં પહોંચી પણ ગયા છે. ત્યારે આવી તો કોની લાગવગ હશે કે, એક વ્યક્તિને નિયમો વિરુદ્ધ હોદ્દો અપાવવા માટે લોબિંગ કરવામાં આવે?
કોષાધ્યક્ષના સ્થાન માટે પણ પેવરબ્લોક લોબિંગ?
રસિકભાઈની ફેકટરી ભવાની પેવર્સ પરથી પેવરબ્લોક ખરીદીને ઇજારદાર તરીકે કામ કરતા કેતન ઠાકોર પોતે વડોદરા તાલુકા ભાજપા મહામંત્રી છે, જ્યારે તેના માસા દેવેન્દ્ર પાટણવાડિયા પૂર્વ વડોદરા તાલુકા ભાજપા પ્રમુખ અને હાલ ATVT સદસ્ય છે. આમ, માસા- ભાણા ની જોડીએ રાજકીય સત્તાનો ઉપયોગ કરીને સયાજીપૂરા જિલ્લા પંચાયતમા આવેલા ગામોમાં કોન્ટ્રાકટ પોતાની પાસે રહે અને રસિકભાઇની ભવાની પેવર્સનો ઉપાડ વધે તેવી ગોઠવણ કરી છે. આ ગોઠવણ સામે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્ર ઠાકોરને સંગઠનમાં કોષાધ્યક્ષના સ્થાને બેસાડવા માટે પણ લોબિંગ શરૂ થયું છે!, દેવેન્દ્ર ઠાકોરનો ભાણો રાસિકભાઈના બ્લોકનો ઉપાડ વધારે એટલે ગીવ એન્ડ ટેક સિસ્ટમમાં હોદ્દો પણ મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
Reporter: admin







