દિલ્હી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.
એક ઈન્ટરવ્યૂમાં ચંદ્રબાબુએ કહ્યું કે, 'બધી મોટી ચલણી નોટો નાબૂદ થવી જોઈએ. તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે. ફક્ત 100 અને 200 રૂપિયાથી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ, 500 રૂપિયાની નોટની પણ જરૂર નથી. તેના પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ.'મફત યોજનાઓ (ફ્રીબીઝ કલ્ચર) અંગેના પ્રશ્નના જવાબમાં નાયડુએ કહ્યું કે 'ફ્રીબીઝ શબ્દ યોગ્ય નથી. પહેલા ઘણી કલ્યાણકારી યોજનાઓ નહોતી. પરંતુ એન.ટી. રામા રાવે (ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામા રાવ) ઘણી લાભદાયી યોજનાઓ શરૂ કરી. આજે દેશમાં સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે પરંતુ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે.
આથી કલ્યાણકારી યોજનાઓ અર્થપૂર્ણ હોવી જોઈએ અને તેમની ડિલિવરી અસરકારક હોવી જોઈએ.'નાયડુએ જાતિ વસ્તી ગણતરી અને કૌશલ્ય વસ્તી ગણતરી બંનેને ટેકો આપતા કહ્યું કે, 'જાતિ, કૌશલ્ય અને આર્થિક વસ્તી ગણતરી દરેક નાગરિક માટે એકસાથે થવી જોઈએ. આજના યુગમાં, ડેટા ખૂબ શક્તિશાળી બની ગયો છે. આનાથી, જાહેર નીતિને વધુ સારી રીતે લાગુ કરી શકાય છે.' કેન્દ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપી છે. અત્યાર સુધી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આવી વસ્તી ગણતરી કરવામાં આવી છે.
Reporter: admin