પાલિકાનાં કરોડોનાં કૌભાંડો: પોલીસ અને પાલિકાનાં અધિકારીઓનો ઢાંકપિછાડો
ફાયર બ્રિગેડની કરોડોની ચર્ચાસ્પદ ખરીદી અને નકલી ફાયર એનઓસીમાં પોલીસ–પાલિકા સાથે સંકળાયેલા અધિકારીઓ બચાવમાં તત્પર..
સસ્પેન્ડ થયેલા ત્રણ અધિકારીઓ પોતાની મૂળ જગ્યાએ પરત આવવા ધમપછાડા કરી રહ્યા છે.હજી તપાસ અધૂરી
પાલિકાની અસંખ્ય ફરિયાદોમાં આરોપીઓને બચાવવા પોલીસનો જ ઢાંકપિછોડો
પાલિકાનાં અધિકારીઓની ફરિયાદો આપ્યા બાદ પણ એફઆઈઆર નોંધાતી નથી. કયો નેતા આરોપીઓને બચાવવા ધમપછાડા કરી રહ્યો છે ? કેટલી રકમમાં કોની સાથે સેટીંગ થયું છે ?..

વડોદરા કોર્પોરેશનમાં થયેલા કૌભાંડો સહિત વિવિધ ગેરરીતિના મામલાઓમાં અત્યાર સુધી પોલીસમાં ઘણી અરજીઓ કરવામાં આવી છે, પરંતુ નવાઈની વાત એ છે કે પોલીસ દ્વારા આ બનાવોની ગંભીરતાથી તપાસ કરવામાં આવતી નથી.જનહિતમાં અમે પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરનું અહીં ધ્યાન દોરીએ છીએ કે પાલિકા દ્વારા કરાયેલી તમામ અરજીઓની તપાસ માત્ર ફાઈલ સુધી કેમ સીમિત થઈ જાય છે, તેની પણ તપાસ તમારે કરાવવી જોઈએ.FIR દાખલ થવી જોઈએ.આ કૌભાંડો કે ગેરરીતિમાં સંડોવાયેલા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને વડોદરાના ટેક્સ ભરતા લોકોને ન્યાય મળતો નથી.તમારા તાબાના અધિકારીઓ આ આરોપીઓને બચાવવા માટે નામ પૂરતા નિવેદનો લઈને તપાસ બંધ કરી દે છે. કેમ્પ ઓફિસમાંથી ગુમ થયેલી ફાઈલોની તપાસમાં પોલીસ કંઈ ઉકાળી શકી નથી. નકલી ફાયર એનઓસી મામલે પણ પોલીસમાં અરજીઓ કરવામાં આવી છે છતાં આ કૌભાંડની તપાસ કરવામાં આવી નથી. જવાબદારો બિન્ધાસ્ત બજારમાં ફરી રહ્યા છે.નકલી ફાયર એનઓસી તો લોકોની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે અને છતાં પણ પોલીસ આ કૌભાંડને ઉજાગર કરવામાં નિષ્ફળ રહી છે. પોલીસ જે રીતે અન્ય ગુનેગારોને દબોચી લે છે, એ જ રીતે પાલિકા સાથે કૌભાંડો કરનારાઓને પણ દબોચી લે તે જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ઊંડી તપાસ કરાવી તપાસ અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરી ખુલાસો પૂછવો જોઈએ.ભ્રષ્ટાચાર થયાનું પ્રાથમિક તપાસમાં જો ખૂલતું હોય તો તપાસ એસીબીને તબદીલ કરવી જોઈએ.
ફાયર બ્રિગેડના અતિ ચર્ચાસ્પદ કરોડોની ખરીદી કૌભાંડમાં પાલિકાએ ઢાંકપિછોડો કરી દીધો
ખાલી નામ પૂરતા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરીને મ્યુનિસિપલ કમિશનરે વાહ-વાહી કરી લીધી, પણ આ ત્રણેય અધિકારીઓ સામે અથવા તેમના કોન્ટ્રાક્ટર સામે કરવામાં આવેલી તપાસ જાહેર નથી.ગુનો દાખલ કરાયો નથી. રિકવરી માટે કોઈ પ્રયત્ન થયો નથી. જ્યારે પણ મ્યુનિસિપલ કમિશનરને આ મામલે પુછવામાં આવે છે, તો તેઓ કહે છે કે ખાતાકીય તપાસ ચાલુ છે. આ ખાતાકીય તપાસ બે વર્ષ કે પાંચ વર્ષ સુધી ચાલવાની હોય તો તેનો પણ યોગ્ય ખુલાસો થવો જોઈએ. પાલિકાએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી નથી. કરોડોના કૌભાંડમાંથી બચેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસેથી પૂરપુરી રકમ રિકવર કરવી જરૂરી છે. આંખે દેખ્યો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં પણ તપાસના નામે ડિંડક ચલાવાઈ રહ્યું છે.
સસ્પેન્ડ થયેલા ત્રણેય અધિકારીઓ ફરીથી પોતાના મૂળ પદ પર આવવાની કોઈ ભ્રષ્ટ નેતા સાથે ગોઠવણ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડના ચર્ચાસ્પદ ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણેય અધિકારીઓ હવે પાછલા બારણે પોતાની મૂળ જગ્યા પર ગોઠવાઈ જવાના પ્રયત્નમાં છે. તેઓએ નેતા સાથે મોટાપાયે ગોઠવણ કરી લીધી છે અને મોટી રકમની લેતી-દેતી નક્કી થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મૂળ મામલો
વડોદરા ફાયર કૌભાંડમાં હેલ્થ વિભાગનાં હેડ ડો. દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે ફાયર સાધનો બજાર ભાવ કરતાં અનેક ગણી વધારે કિંમતે ખરીદ્યા હતા, જેમાં કરોડો રૂપિયાની ગેરરીતિ બહાર આવી. મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ બાદ આ પગલાં લીધા હતા. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ચોમાસાની તૈયારી માટે ખરીદવામાં આવેલા સાધનોમાં ગોટાળા સામે આવ્યા, જેમાં બોટ, મોટર, સીસોટી, પાણીની બોટલ, લાઇટર વગેરે સામેલ છે. કુલ ₹3.17 કરોડ (અથવા ₹3.81 કરોડ)નો મુદ્દો સામે આવ્યો હતો.
ઉત્તર ઝોનમાં પાણી પુરવઠો અચાનક બંધ
ઓગસ્ટ 2025માં વડોદરાના ઉત્તર ઝોન (છાણી, સમા, નવાયાર્ડ, ફતેહગંજ, હરણી, કારેલીબાગ)માં પાણી પુરવઠો અચાનક બંધ થઈ ગયો. આશરે 30,000 રહેવાસીઓ ત્રણ દિવસ પાણી વગર રહ્યા. નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાએ અજાણ્યા ભૂગર્ભ વાલ્વને બંધ કરીને પાણી પુરવઠો ખોરવી નાખ્યો, જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં પડ્યા. છતાં એફઆઈઆર દાખલ કરાઈ નથી.
નકલી ફાયર એનઓસી મામલે પોલીસમાં અરજીઓ ઉપરની તપાસ આડે પાટે ચડી.
નકલી ફાયર એનઓસી પ્રકરણમાં એપ્રિલ અને જૂન 2025માં બે વાર પોલીસને અરજીઓ કરવામાં આવી. છતાં પોલીસે હજુ સુધી નકલી ફાયર એનઓસી કી ટોળકીએ બનાવી તેની તપાસ પૂર્ણ કરી નથી. નકલી ફાયર એનઓસી ધરાવતા અનેક બિલ્ડિંગો-કોમર્શિયલ કોમ્પલેક્ષ શહેરમાં છે, જો આગ લાગશે તો પોલીસ અને પાલિકા જ જવાબદાર થશે.
કેમ્પ ઓફિસમાંથી 150 જેટલી મહત્વની ફાઇલો ગુમ મામલે પણ પોલીસની આળસ
કમિશનર બંગલામાં આવેલી કેમ્પ ઓફિસમાંથી 150 જેટલી મહત્વની ફાઇલો ગુમ થઈ ગઈ છે અને આ મામલે પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન અધિકારી ગૌરવ પંચાલે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી પણ કરી છે. જોકે એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સયાજીગંજ પોલીસ માત્ર નિવેદનો લેવાનું નાટક કરીને તપાસ ચાલી રહી હોવાનું રટણ કરી રહી છે.ખરેખર તો આવા ગંભીર બનાવની ઊંડી અને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને કસૂરવારોને ઝડપથી પકડવા જોઈએ, તેના બદલે સયાજીગંજ પોલીસ આરોપીઓને બચાવવા આળસ દાખવી રહી હોવાનું લાગી રહ્યું છે. આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તપાસ કરાવવી જોઈએ કે ક્યાંક દાળમાં કાળું તો નથી ને.આ મહત્વની ફાઇલો જો કોઈ અસામાજિક તત્વોના હાથમાં પહોંચી ગઈ હશે તો તેના દુરુપયોગની પણ ગંભીર શંકા છે, તેમ છતાં પોલીસની આળસજનક કામગીરીથી અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
Reporter: admin







