વડોદરા : જેઠ મહિનામાં સુદ પક્ષમાં આવતી એકાદશી નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે.આ નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ નિમીત્તે નકોરડા(નિર્જળા) ઉપવાસનું મહાત્મ્ય છે.
પ્રતિ વર્ષ દરમિયાન ૨૪ અને અધિક માસ હોય ત્યારે ૨૬ અગિયારસ આવે છે. જેમાં નિર્જળા એકાદશી વર્ષની સર્વશ્રેષ્ઠ અને તમામ એકાદશીનું સામટુ ફળ આપનારી એકાદશી હોય સમસ્ત વૈષ્ણવ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રધ્ધાળુઓ આ અગિયારસે પાણી વગર અથવા તો ફરાળ કરી ઉજવે છે.આ દિવસે કરાયેલુ અન્નદાન અક્ષય થાય છે તેથી જ ભીમ અગિયારસના મહાપર્વે બહેનો, દિકરીઓને ભેટ, દક્ષિણા તેમજ સાધુ, બ્રાહ્મણ, મહંતો અને પુજારીઓને અન્નદાન,વસ્ત્રદાન અને રોકડદાન આપવાની પણ પરંપરા આ વર્ષે પણ જળવાશે.
આ સાથે વેદોના માતા ગાયત્રી માતાજીની જયંતિ નિમિત્તે શહેરના ચિત્રા તેમજ ઘોઘા રોડ પર ગાયત્રી મંદિરોમાં મહાપૂજન, મહાયજ્ઞા, ધ્વજારોહણ, દીપયજ્ઞા, પ્રજ્ઞાાગીતગાન, ગાયત્રીમંત્રના અખંડ સમુહ જાપ સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ ગાયત્રીમંત્રના ગુંજન સાથે શહેર ઉપરાંત જિલ્લામાં પણ પ્રભાતફેરી પણ નિકળશે. તો, ધર્મસ્થાનો અને પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શ્રીજી સ્મરણ, યમુનાષ્ટકના તેમજ સર્વોત્તમ સ્તોત્રના પાઠ પણ કરાશે. શહેર અને જિલ્લામાં શુક્રવારે ભીમ અગિયારસના મહાપર્વે જગતના તાત ખેડૂતો દ્વારા વિધિવત રીતે શુકનવંતી વાવણીનો શુભારંભ કરવામાં આવશે. ખેડૂતોના ઘેર ઘેર લાપસીના એંધાણ મુકાશે. કૃષિના ઓજારોની વિધિવત પુજા અર્ચના કરી ગોળધાણા ખવાશે.
Reporter: admin