વડોદરા : શહેરના કમાટીબાગમાં આજે પણ લોકો દુર દુરથી મુલાકાતે આવે છે. સર સયાજીરાવની દેન કમાટીબાગ ઝૂ આજે પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
તાજેતરમાં ઝૂ સત્તાધીશો દ્વારા વિવિધ આકર્ષણોનો ઉમેરો કરીને વધુ લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કર્યો છે. દરમિયાન આજે વન્ય જીવના રસીયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે કમાટીબાગ ઝૂમાં વાઘ-વાઘણની જોડી મહેમાન બનીને આવ્યા છે. મહારાષ્ટ્રથી આ જોડીને લાવવામાં આવી છે. નાગપુર ખાતે આવેલા બાળાસાહેબ ઠાકરે ઇન્ટરનેશનલ ઝૂ માંથી જોડું આવ્યું છે. વાઘ-વાઘણના જોડાની ઉંમર ચાર વર્ષ જેટલી હોવાનો અંદાજ છે. તેઓ 800 કિમી રોડનું અંતર કાપીને વડોદરા આવ્યા છે.
પ્રાણી એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી છે. તેમના રાખ-રખાવમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે. હાલ આ જોડીને ક્વોરન્ટાઇન રાખવામાં આવશે. ધીરે ધીરે જેમ જેમ તેમને વડોદરાનું વાતાવરણ અનુકુળ આવશે તેવા પ્રયાસો કરવામાં આવશે. સંભવત દિવાળી બાદ સામાન્ય લોકો બંનેને જોઇ શકશે, તેવું ઝૂ સત્તાધીશોનું કહેવું છે.
Reporter: admin