News Portal...

Breaking News :

ગોત્રી હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના : માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું

2025-11-13 13:36:41
ગોત્રી હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના : માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું


વડોદરાની ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કોઈ સારા કારણોસર નહીં. હોસ્પિટલના પરિસરમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક કમનસીબ માતાએ જન્મ આપતાની સાથે જ પોતાના નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું હતું.





પ્રાથમિક માહિતી મુજબ, એક અજાણી માતાએ પોતાના જ નવજાત બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ માતાએ બાળકને છુપાવવાના કે અન્ય કોઈ સ્થળે મૂકવાના બદલે, સીધું જ હોસ્પિટલના ગટરના ખાનામાં ફેંકી દીધું હતું, જેણે સાંભળનાર દરેક વ્યક્તિને હચમચાવી દીધા છે. આ માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને થઈ હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સિક્યુરિટીએ તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી આપી હતી.ગોરવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. કે. વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની મુખ્ય તપાસ માતા કોણ છે, ક્યા સંજોગોમાં આ કૃત્ય આચર્યું અને કેવી રીતે નવજાત શિશુને ફેંકી દીધું તે દિશામાં કેન્દ્રિત છે.


સીસીટીવી અને પૂછપરછ દ્વારા તપાસ પોલીસ આ કેસની જડ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. ગોરવા પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે, જેનાથી આરોપી માતાને ઓળખવામાં અને તેના રૂટની જાણકારી મેળવવામાં મદદ મળી શકે. હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા તબીબો અને અન્ય સ્ટાફની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ડિલિવરી અંગેની કોઈ પણ માહિતી કે શંકાસ્પદ હિલચાલ જાણી શકાય.આ ઘટનાએ ફરી એકવાર ગોત્રી હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટની ઘોર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હોસ્પિટલની અંદર જ આ પ્રકારનું કૃત્ય થાય તે દર્શાવે છે કે દર્દીઓ અને તેમના નવજાત શિશુઓની સુરક્ષા માટે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી.પોલીસ દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવી છે અને આશા છે કે ટૂંક સમયમાં આરોપી માતા પકડાઈ જશે અને ન્યાય મળશે.

Reporter: admin

Related Post