નવી દિલ્હી : દેશમાં ઈન્સાઈડર ટ્રેડિંગનું દૂષણ અટકાવવા કંપનીઓના પ્રમોટરો, સંવેદનશીલ માહિતી ધરાવનારા અધિકારીઓ, સેબી ઈન્ટરમીડિયરીઝ સહિત માટે ડિસ્કલોઝર્સના કડક નિયમનો લાગુ છે, ત્યારે હવે ખુદ સેબીના ટોચના અધિકારીઓ માટે પણ આ નિયમનો-પારદર્શકતા લાવી ડિસ્કલોઝર્સ ફરજિયાત કરવાની સરાહનીય પહેલ કરવામાં આવી છે.
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના મેમ્બરો અને અધિકારીઓના હિતોના ટકરાવ-કોન્ફલિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ, ડિસ્કલોઝર્સ અને સંબંધિત બાબતોની સમીક્ષા કરવા માટે નિયમનકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ-સ્તરીય સમિતિએ તેમની ભલામણો રજૂ કરી છે.સેબી બોર્ડ માટેની ડિસ્કલોઝર્સ અને હિતોના ટકરાવ સંબંધિત ભલામણોને અલગ નિયમોને સૂચિત કરીને લાગુ કરી શકે છે. જેનાથી તે કાયદેસર રીતે લાગુ થઈ શકશે. પેનલે સૂચન કર્યું છે કે, સેબી (ઈન્સાઈડર ટ્રેડિંગ પ્રતિબંધ) નિયમનો, ૨૦૧૫ના હેતુ માટે સેબીના ચેરમેન અને પૂર્ણ-સમયના મેમ્બરોને ઈન્સાઈડરની વ્યાખ્યામાં લાવવા જોઈએ.ભલામણો અનુસાર, સેબીના તમામ બોર્ડ મેમ્બરો અને કર્મચારીઓએ સંપતિ, જવાબદારીઓ, ટ્રેડિંગ પ્રવૃતિઓ અને કૌટુબિંક સંબંધોના પ્રારંભિક, વાર્ષિક, ઘટના આધારિત અને એક્ઝિટ ડિસ્કલોઝર કરવા જોઈએ. મેમ્બરોએ સેબીના પ્રસ્તાવિત ઓફિસ ઓફ એથિક્સ એન્ડ કમ્પ્લાયન્સ (ઓઈસી) અને ઓવરસાઈટ કમિટી ઓન એથિક્સ એન્ડ કમ્પ્લાયન્સ (ઓસીઈસી)ને અન્ય વ્યવસાયિક અને સંબંધી હિતો પણ જાહેર કરવા જોઈએ, એવી રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે.
ભલામણમાં જણાવાયું છે કે, સેબીના ચેરમેન, મેમ્બરો અને અન્યની એન્ટ્રી ભૂમિકા માટેના અરજદારોએ નાણાકીય અને બિન-નાણાકીય બન્ને પ્રકારના વાસ્તવિક, સંભવિત અને કથિત સંઘર્ષો જાહેર કરવા પડશે.ચેરમેન, સંપૂર્ણ સમયના મેમ્બર અને સીજીએમ અને તેનાથી ઉપર ના સેબીના કર્મચારીઓએ પણ જાહેર સંપત્તિ અને જવાબદારીઓ જાહેર કરવાની રહેશે. જો કે, પાર્ટ-ટાઈમ મેમ્બરોને આ જરૂરિયાતમાંથી મુક્તિ મળી શકે છે, કારણ કે તેઓ સેબીની રોજિંદી નિયમનકારી પ્રવૃતિઓનું સંચાલન કરતા નથી. સેબીના મેમ્બરો અને કર્મચારીઓ વ્યવસાયિક રીતે સંચાલિત પુલ્ડ ફંડ્સ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા એઆઈએફઝમાં રોકાણ કરી શકે છે. જ્યાં સુધી કોઈપણ એક મધ્યસ્થી યોજનામાં રોકાણ તેમના કુલ નાણાકીય પોર્ટફોલિયોના ૨૫ ટકાથી વધુ ન હોય, પાર્ટ-ટાઈમ મેમ્બરો આ પ્રતિબંધોમાંથી મુક્ત છે, જો કે, તેઓએ હોલ્ડિંગ્સ જાહેર કરવું જોઈએ અને કોઈપણ અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી (યુપીએસઆઈ) પર વેપાર કરવાનું ટાળવું જોઈએ.
Reporter: admin







