વડોદરા : કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે અવારનવાર વિવાદ સર્જાતો રહે છે. આ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતેથી દૂર કરાયેલ મહાદેવની પ્રતિમાને પુનઃસ્થાપનનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
વર્ષ 2015 દરમ્યાન વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કમિશનર કચેરીના ગેટ પાસે એક વૃક્ષ ઉપર ભગવાન શિવજીનું નાનું મંદિર હતું. આ મંદિરે કોર્પોરેશનના કર્મચારીઓ તથા બહારથી આવતા લોકો પૂજા અર્ચના કરતા હતા. પરંતુ, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ.પટેલના સમયગાળા દરમિયાન આ મંદિર હટાવાયું હતું. અને મંદિરમાં રહેલ પ્રતિમાને સિક્યુરિટી કેબિનની પાછળ ખૂણામાં રાખવામાં આવી હતી. નવા કમિશનર અરુણ મહેશ બાબુને આ બાબત ધ્યાને આવતા પ્રથમ દિવસે જ તેમણે મહાદેવના દર્શન કરી તે પ્રતિમાને પુન: તે જ સ્થળે સ્થાપવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
હાલ વૃક્ષની આસપાસ ઓટલો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ મહાદેવની પ્રતિમા મૂકવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર પિન્કીબેન સોની વચ્ચે વિવાદ કારણભૂત હોવાની ચર્ચા હતી.
Reporter: admin