News Portal...

Breaking News :

વીજ તંત્રની બેદરકારી ટ્રાન્સફોર્મર પર ચઢેલા વેલા જોખમ બની રહ્યા

2025-12-10 10:54:44
વીજ તંત્રની બેદરકારી ટ્રાન્સફોર્મર પર ચઢેલા વેલા જોખમ બની રહ્યા


વાઘોડિયા રિંગ રોડ વિસ્તારમાં દેવાશીષ ડુપ્લેક્સના ટ્રાન્સફોર્મર પર વેલા..



વિકાસ પરિષદ પ્રમુખે તંત્રને આડે હાથે લીધા, તાત્કાલિક કાર્યવાહીની માંગ ઊઠી.
વડોદરા વિકાસ પરિષદના પ્રમુખ ભાલચંદ્ર પાઠકે શહેરના વીજ તંત્ર સામે  આક્ષેપો કરતા જણાવ્યું છે કે એમજિવીસીએલના ઇન્દ્રપુરી સબ ડિવિઝન હેઠળના વાઘોડિયા રિંગ રોડ વિસ્તારમાં વર્ષોથી ચાલતી બેદરકારી હવે જીવલેણ પરિસ્થિતિ સર્જી રહી છે. ગોવર્ધન ટાઉનશિપની બાજુમાં આવેલ દેવાશીષ ડુપ્લેક્સ વિસ્તારમાં આવેલા ટ્રાન્સફોર્મર પર જંગલી વેલા પૂરી રીતે ચઢી ગયા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.પાઠકે જણાવ્યું કે ટ્રાન્સફોર્મર પર આવી રીતે વધેલા વેલા માત્ર વીજ પુરવઠામાં વિક્ષેપ જ નહીં, પરંતુ સ્પાર્કિંગ, શોર્ટ સર્કિટ કે આગ જેવી ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. 



સ્થાનિક રહેવાસીઓ અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો કરી ચૂક્યા હોવા છતાં કોઇ અધિકારી સ્થળની મુલાકાત લેવાની તકેદારી પણ રાખતો નથી, જે તંત્રની નિષ્ક્રિય કામગીરીને ખુલ્લી પાડે છે.તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે “શહેરને સ્માર્ટ સિટી જણાવવામાં આવે છે, પણ મૂળભૂત સુરક્ષા વ્યવસ્થા જ જોખમમાં મુકી દેતી આવી બેદરકારી સામે જવાબદારી કોણ લેશે? ટ્રાન્સફોર્મર પર ચઢી ગયેલા વેલા હટાવવાનું કામ અંતે કોનું?”વિકાસ પરિષદના પ્રમુખે એમજિવીસીએલને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું,  કે જો તંત્ર સમયસર વેલા દૂર કરી સુરક્ષા સુનિશ્ચિત નહીં કરે, તો રહેવાસીઓ સાથે મળી આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

Reporter: admin

Related Post