News Portal...

Breaking News :

જરૂરીયાતમંદ લોકો ચોમાસાથી રક્ષણ મળે તે માટે: ફૂટપાથ પર રહેતા નિઃસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવશે શ્રવણનું રેઇન કવચ

2024-07-23 10:58:09
જરૂરીયાતમંદ લોકો ચોમાસાથી રક્ષણ મળે તે માટે: ફૂટપાથ પર રહેતા નિઃસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવશે શ્રવણનું રેઇન કવચ


હાલ વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી થઇ રહી છે. ત્યારે વડોદરામાં ફૂટપાથ પર રહેવા મજબુર નિઃસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવવા માટે રેઇન કવચ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 250 થી વધુ જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક છત્રી અને રેઇન કોટ આપવામાં આવશે. જે પૈકી અત્યાર સુધી 70 થી વધુ રેઇન કોટ - છત્રીનું વિતરણ જરૂરીયાતમંદ લોકોને કરી દેવામાં આવ્યું છે. નીરવ ઠક્કર જણાવે છે કે, છત્રી અને રેઇન કોટની 20 જોડી અમારી ગાડીમાં જ સાથે રાખીએ છીએ. જ્યાં કોઇ જરૂરીયાતમંદ વ્યક્તિ જણાય તેને તુરંત જ આપી દેવામાં આવે છે. આ મેળવીને તેમના મોઢા પર આવતું સુખદ સ્મિત અમારી ખરી મૂડી છે. 


- ઝાડ નીચે અથવા જગ્યા મળે તો પતરાના શેડ નીચે આશરો લેતા
વડોદરામાં નિઃસહાય વૃદ્ધો અને શ્રમિકોને ચોમાસામાં મદદ કરવાના ઉમદા વિચાર સાથે રેઇન કવચ આપવા આગળ આવેલી શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે, અમારી સંસ્થા પોણા ચાર વર્ષોથી ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબૂર નિસહાય વૃદ્ધોને નિયમીત ભોજનસેવા સહિત અનેકરીતે મદદરૂપ થવા માટે કાર્યરત છે. હાલ ચોમાસુ ચાલતું હોવાથી ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબુર લોકો ઝાડ નીચે અથવા જગ્યા મળે તો પતરાના શેડ નીચે આશરો લેતા હોય છે. તેમાં પણ વરસાદમાં ભીના ન થવાય તેની કોઇ ગેરંટી નહીં. ભીના કપડાં સાથે અનેક દિવસો નિકળી જાય અને મોટાભાગના કિસ્સાઓમાં તેઓ બિમાર પડતા હોય છે. આ માહિતી જ્યારે અમારી સામે આવી ત્યારે અમે તેમને મદદરૂપ થવાનું નક્કી કરી લીધું હતું. 
- જાત ઉપયોગ કરી ચકાસણી કર્યા બાદ પ્રોડક્ટ ફાઇનલ કરી
નીરવ ઠક્કર વધુમાં જણાવે છે કે, આ વર્ષે પ્રથમ તબક્કામાં અમે 250 થી વધુ રેઇન કોટ અને છત્રી લાવ્યા છે. આ છત્રી અને રેઇનકોટનો હું જાતે ઉપયોગ કરું છું. 10 અલગ અલગ રેઇનકોટ-છત્રીનો જાત ઉપયોગ કરી ચકાસણી કર્યા બાદ અમે પ્રોડક્ટ ફાઇનલ કરી છે. બંને ટકાઉ છે. અમે નિઃસહાય વૃદ્ધોને છત્રી આપીએ છીએ. અને કોઇ જરૂરીયાતમંદ શ્રમિક જણાય તો તેને રેઇન કોટ આપીએ છીએ. નિસહાય વૃદ્ધ છત્રીના ટેકે ચાલી પણ શકે, અને તેનો ઉપયોગ પણ સરળતાથી કરી શકે. જ્યારે શ્રમિક  રેઇન કોટ પહેરીનો પોતાના કામ આસાનીથી કરી શકે છે. 


- જરૂરીયાતમંદ જણાય કે તુરંત તેને રેઇન કવચરૂપી સહાય મળે
નીરવ ઠક્કરે ઉમેર્યું કે, અત્યાર સુધી 70 થી વધુ રેઇન કોટ - છત્રીનું વિતરણ જરૂરીયાતમંદ લોકોને કરી દેવામાં આવ્યું છે. અમે નિયમીત નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડીએ છીએ. અમે અમારી જોડે જ રેઇન કોટ અને છત્રી કારમાં રાખીએ છીએ. જેવું કોઇ જરૂરીયાતમંદ જણાય કે તુરંત તેને રેઇન કવચરૂપી સહાય પહોંચાડી દઇએ છીએ. જરૂરીયાતમંદ વ્યક્તિને રેઇન કવચ મળતા જ તેના મોઢા પર આવતું સ્મિત અમારી ખરી કમાણી છે. જરૂર જણાશે તો આવનાર સમયમાં બીજા, ત્રીજા તબક્કામાં પણ રેઇન કોટ અને છત્રીની સહાય આપવામાં આવશે.

Reporter: admin

Related Post