News Portal...

Breaking News :

રાજ્યના સાત જિલ્લાઓમાં ચોમાસામાં ભારે વરસાદની આગાહીથી તંત્ર સતર્ક નર્મદા જિલ્લા તરફ NDRFની ટીમો રવાના

2024-06-25 12:55:37
રાજ્યના સાત જિલ્લાઓમાં ચોમાસામાં ભારે વરસાદની આગાહીથી તંત્ર સતર્ક નર્મદા જિલ્લા તરફ NDRFની ટીમો રવાના


ચોમાસામાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદથી એનડીઆરએફની સાત અલગ-અલગ ટીમો રાજ્યના સાત જુદાજુદા શહેરોમાં ડિપ્લોય કરવામાં આવી છે. 


ડિપ્લોયમેન્ટ પહેલા એનડીઆરએફે મહીસાગર નદીમાં પુરની પરિસ્થિતિ અંગે મોકડ્રીલ યોજી હતી. જેમાં એનડીઆરએફની સાથેસાથે ગુજરાત પોલીસ, સ્થાનિક લોકો, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સની ટીમોએ ભાગ લીધો હતો. હાલમાં ગુજરાતમાં ચોમાસુ બેસી ગયુ છે. આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાની આગાહીને પગલે રાજ્યનું એનડીઆરએફ સતર્ક બન્યુ છે. ગઈકાલે એનડીઆરએફની ટીમોએ મહીસાગર નદીમાં રાહત અને બચાવ કામગીરીનું મોકડ્રીલ કર્યું હતુ. જેમાં એનડીઆરએફની 30 ટીમોની સાથેસાથે ગુજરાત પોલીસની 15 ટીમ, હોસ્પિટલ સ્ટાફની 8 ટીમ, 108 એમ્બ્યુલન્સની 8 ટીમ, સ્થાનિક લોકોની 4 ટીમ, ફાયર બ્રિગેડની 20 ટીમ સહિત કુલ 97 ટીમોએ ભાગ લીધો હતો.


ગઈકાલે મોકડ્રીલ યોજ્યા પછી એનડીઆરએફની સાત ટીમોને તૈયાર કરવામાં આવી હતી અને ચોમાસામાં સંભવીત પુરના ખતરાને પહોંચી વળવા માટે રાજ્યના જુદાજુદા શહેરોમાં ડિપ્લોયમેન્ટ માટે રવાના કરવામાં આવી હતી. વડોદરાના જરોદમાં આવેલા હેડક્વાર્ટરમાંથી રવાના થયેલી એનડીઆરએફની સાત ટીમો સાત જુદાજુદા શહેરમાં ડિપ્લોય કરવામાં આવશે. જેમાં રાજકોટ, વલસાડ, કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં રાજ્યના આ સાત જિલ્લાઓમાં પુરની સ્થિતિ જોવા મળે છે. એટલે આગોતરી તૈયારીના ભાગરૂપે એનડીઆરએફે આ સાતેય જિલ્લામાં એક એક ટીમ ડિપ્લોય કરી દીધી છે. ગઈકાલે તમામ ટીમો પોતપોતાના ડ્યુટી સ્થળો તરફ રવાના થઈ હતી.

Reporter: News Plus

Related Post