હડકાયા કૂતરા પર વિશ્વાસ મૂકી શકાય પણ ચીનનો કદાપિ ભરોસો ના થઈ શકે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આવું અનેકવાર બન્યું છે અને આ વિશ્વના સૌ થી મોટા દેશોની શ્રેણીમાં આવતા દેશે એની શરૂઆત મોટેભાગે ભારત સાથે કરી હતી.
હિન્દી ચીની ભાઈ ભાઈની ખાંડ વીંટાળેલી છદ્મ નીતિ હેઠળ એણે મિત્ર દેશ ભારતની પીઠમાં જ કરપીણ ખંજર ભોંક્યું હતું જેમાં હજારો ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી અને ભારતનો મોટો ભૂભાગ ચીને પડાવી લીધો.આ દેશના સૈનિકો એ તાજેતરમાં સમુદ્રમાં ફિલિપાઈન્સ નૌકા દળના સૈનિકો સાથે હિમાલય મોરચે ગલવાન ની ભારતીય સૈનિકો સાથે આચરેલી નિર્દયતાની ઘટનાનું પુનરાવર્તન કરીને લુચ્ચાઈમાં પોતાની મહારત પુરવાર કરી.તેમ છતાં વિધિની વક્રતા એ છે કે રશિયા અમેરિકાના પ્રભાવને ખાળવા ચીનને પડખે લેવાની ભૂલ કરી રહ્યું છે.ચીને પાકિસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકા અને નેપાળ જેવા ભારતના પડોશી દેશોને મદદ કરીને ભારતને ભીંસમાં લેવાનો વ્યૂહ ઘડ્યો છે.તાજેતરમાં સાઉદી અરેબિયાએ ચીનના પ્રભાવ હેઠળ ખનીજ તેલના વેપારમાં આંતર રાષ્ટ્રીય વિનીમયના માધ્યમ તરીકે અમેરિકી ડોલરને બદલે અન્ય દેશોના ચલણને માન્યતા આપી.તેનાથી ભારત સહિતના દેશોને ફાયદો તો થશે પરંતુ આ ચાલ ચીનથી પ્રેરિત છે એ ભૂલવા જેવું નથી.ચીન પાકિસ્તાનની મદદથી પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરમાં થઈ નવો વેપાર માર્ગ બનાવી રહ્યું છે.ભારતે તેનો વિરોધ કર્યો છે કારણ કે પીઓકે વિવાદગ્રસ્ત વિસ્તાર છે.જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનની મેલી મુરાદ મોડા વહેલા આર્થિક આભારના બદલામાં પાકિસ્તાન પાસે થી આ વિસ્તાર પડાવી લેવાની છે.
એ અવાર નવાર આપણા અરુણાચલ પર દાવો કરે છે,નેપાળ અને ભૂતાનને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે માલદીવમાં અને નેપાળમાં ચીન તરફી પક્ષોની સરકાર બની છે અને ચીન માટે લાલ જાજમ બિછાવવાનું કામ થઈ રહ્યું છે.ભારતે પોતાની સફળ કૂટનીતિ થી આ દેશોમાં ઘણાં અંશે ચીનનો પ્રભાવ ખાળ્યો છે પણ જોખમ હજુ ટળ્યું નથી.ભારતના બજારોમાં મોટા પાયે તકલાદી ચીની માલ ઠલવાય છે.એને રોકવામાં સફળતા મળવાની બાકી છે.ચીનના બહિષ્કારનો દંભ ઊભો કરવામાં આવે છે અને જમીન તળે એની સાથે સસ્તી વસ્તુઓનો વેપાર થાય છે.ભારત આંતર રાષ્ટ્રીય વેપારમાં ચીનનો સૌ થી મોટો ગ્રાહક છે.આ દંભ ખતરનાક છે.પ્રત્યેક ભારતીયની ફરજ છે કે ગમે તેટલી સસ્તી મળતી હોય તો પણ ચીની વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ.તેના બદલે હોળીની પિચકારીઓ અને દિવાળીના વીજળીના ઝબુક દીવા થી દેશના બજારો ખદબદે છે.આ અતિરેક છે જે ટાળવા યોગ્ય છે.ભલે થોડી મોંઘી હોય ભારતીય બનાવટની વસ્તુઓ જ વાપરવી જોઈએ.અને મોટેભાગે તો ગ્રાહકને ખબર જ હોતી નથી કે તેઓ જે વસ્તુઓ ખરીદે છે એ દગાબાજ ચીનાઓએ બનાવેલી છે.સરકારે બજારમાં ચીની વસ્તુઓની સ્પષ્ટ ઓળખ ગ્રાહકો કરી શકે એવી કોઈ વ્યવસ્થા નિર્ધારિત કરવી જોઈએ.ચીનની બાબતમાં ઝેરના પારખા કરવા જેવા નથી એ માત્ર ભારતે નહિ જગત આખાએ સમજવાની જરૂર છે.વિશ્વના દેશો દ્વારા આર્થિક બહિષ્કાર વગર ચીનની ઠેકાણે નહિ આવે..
Reporter: News Plus